પર્થ ખાતે ગત રવિવારે ઇન્ટેરનશલ વિમેન્સ ડે કર્ટિન યુનિવર્સિટીના સ્ટેડિયમાં ઉજવાઈ ગયો. માત્ર મહિલાઓ દ્વારા જુદાજુદા ૪૪ સ્ટોલ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સમાનતા વિષે વાર્તાલાપ અને ભારતના બહુ સાંસ્કૃતિક પ્રાદેશિક નવદંપતીના પહેરવેશ ઉપરના ફેશન શૉએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૫૦૦થી વધુ લોકો હાજર રહ્યા હતા.
છેલ્લા થોડા વર્ષોથી ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા (ISWA ) દ્વારા ‘નારી’ કાર્યક્રમનું આયોજન કરાય છે. આ પરંપરા આ વર્ષે ચાલૂ રહી હતી અને કાર્યક્રમ યોજાયો હતો.
12 વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી વિવિધતાસભર કાર્યક્રમો યોજાયા હતા. ૪૪ જેટલા સ્ટોલ્સમાં કેરિયર, પ્રોપર્ટી, લોન, જ્વેલરી બ્યુટી અને ફેશન, હેન્ડીક્રાફ્ટનો સમાવેશ કરાયો હતો.
સાંસકૃતિક કાર્યક્રમોમાં દેવી વંદના નૃત્ય, સ્ત્રીના બાળપણથી માંડી સ્ત્રીત્વ સુધી સફર દર્શાવતી વાત ત્રણ જુદી - જુદી ભાષા દ્વારા રજૂ કરાઈ હતી. જેમાં “મૈં કા કરું રામ મુજે બુઢ્ઢા મિલ ગયા”, “એય મેરી જોહર જબીન..” જેવા ગીત રજૂ કરાયા હતા.
આ ઉપરાંત મહિલાઓને પ્રોત્સાહન આપતી ચર્ચા કરાઈ હતી. જેમાં પ્રોફ મમતા કોચર, કાઉન્સીલર યશોજી, અને બૉલીવુડ એક્ટ્રેસ આરતી છાબરિયાએ મંતવ્યો રજૂ કર્યા હતા. સામાજિક સમાનતા વિષે કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા દંતૂ ચરણદાસી, વિરોધ પક્ષના લીડર લીઝ હાર્વે, સાંસદ જેની ફ્રીમેન, રિટાયર્ડ નર્સ હમીદાબેન ભટ્ટ વગેરે એ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમના અંતમાં ભારતની વિવિધ ભાષા અને પ્રાદેશિક પ્રદેશોના નવદંપતીનો ફેશન શો યોજાયો હતો. એટલે કે વર વધુ અને સાથે ત્રણ કે ચાર જાનૈયાઓ -બારાતિઓ સ્ટેજ ઉપર આવે અને પોતાના પ્રદેશની સંસ્કૃતિ રજૂ કરે. આમાં કુલ ૧૮૦ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. જેમાં કર્ણાટક આંધ્રપ્રદેશ, મરાઠી, હરિયાણા -પંજાબ ,રાજસ્થાન, મોરેશિયસ શ્રીલંકા કેરાલા, આસામ, બંગાળી, તમિલ, ગોવા અને ગુજરાતીનો સમાવેશ કરાયો હતો.
આ પ્રદેશોમાં ગુજરાતી, રાજસ્થાન અને પંજાબને સૌથી વધુ પ્રશંસા મળી હતી.