ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એડિલેડમાં ટેસ્ટ શ્રેણી રમી રહી છે. ટેસ્ટ મેચ અગાઉ ભારતીય ટીમે નેટ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો હતો. જેમાં મોટા પ્રમાણમાં ભારતીય ક્રિકેટ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા તથા આર.અશ્વિન સ્ટેડિયમથી હોટલ સુધી ચાલીને ગયા હતા અને રસ્તામાં તેમના પ્રશંસકોના ઇન્ટરવ્યું, સેલ્ફી લઇને ઓટોગ્રાફ આપ્યા હતા.
દ્વારા મૂકવામાં આવેલી વીડિયોમાં રોહિત શર્મા તથા અશ્વિન ચાલતા દેખાય છે અને રોહિત શર્મા સ્ટેડિયમ અને હોટલ વચ્ચે માત્ર બે મિનિટનું જ અંતર છે તેમ કહે છે.
"સ્ટેડિયમ અને હોટલ નજીક હોવાથી અમે ચાલતા જઇ રહ્યાં છીએ, જે ક્રિકેટર્સ બસ દ્વારા હોટલ પહોંચશે તેમને 20 મિનિટ જેટલો સમય લાગી જશે. અમે સમયની બચત કરી રહ્યા છીએ."
અશ્વિને જણાવ્યું હતું કે, "ખૂબ જ સરસ રસ્તો છે. ભારતમાં અમે આ રીતે રસ્તા પર ચાલી શકતા નથી."
પ્રશંસકોને નિરાશ નહીં કરીએ : રોહિત
"અમને હંમેશાં અમારા પ્રશંસકોનો સહયોગ મળી રહે છે. ઓસ્ટ્રેલિયામાં અમને ક્રિકેટ રમવાની મજા આવે છે. આ વખતે અમે અમારા પ્રશંસકોને નિરાશ નહીં કરીએ."
રોહિતે ઉમેર્યું હતું કે, "લોકો આપણો પીછો કરી રહ્યા છે. ચાલો, તેમની સાથે વાત કરીએ."
રોહિતે ત્યાર બાદ કેટલાક પ્રશંસકોના ઇન્ટરવ્યું લીધા હતા. તેમને સિરીઝ કોણ જીતશે અને તેમના પ્રિય ખેલાડી કોણ છે, જેવા સવાલો પૂછીને તેમને સેલ્ફી અને ઓટોગ્રાફ આપ્યા હતા.
રોહિતે જણાવ્યું હતું કે, "ભારતીય ટીમના પ્રશંસકોએ એક બાબત યાદ રાખવી જોઇએ કે અમે પણ અમારા ફેન્સને મળવા માગીએ છીએ પરંતુ તે દરેક સમયે શક્ય થતું નથી."