ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર - ગાવસ્કર ટેસ્ટ શ્રેણીનો ગુરુવારથી એડિલેડ ખાતેથી પ્રારંભ થઇ ગયો છે. પરંતુ, બીસીસીઆઇએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ડે-નાઇટ મેચ રમવાના પ્રસ્તાવને નકાર્યો હોવાથી ટેસ્ટ મેચ જોવા માટે ઓછા પ્રેક્ષકો આવ્યા હોવાનું મનાઇ રહ્યું છે.
news.com.au માં પ્રસિદ્ધ થયેલા એક રીપોર્ટ અનુસાર, સાઉથ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિયેશન (SACA) ના ચીફ એક્સીક્યુટીવ કેઇથ બ્રેડશોએ ટેસ્ટ મેચ અગાઉ જણાવ્યું હતું કે, ગયા વર્ષોની સરખામણીએ ટીકીટોનું વેચાણ ધીમી ગતિએ થઇ રહ્યું છે.
એડિલેડ ઓવલ 2015થી ડે-નાઇટ ટેસ્ટ મેચનું આયોજન કરી રહ્યું છે પરંતુ આ વખતે ભારતીય બોર્ડે ડે-નાઇટ મેચ રમવાના પ્રસ્તાવને નકાર્યો હતો.
"એડિલેડમાં જ્યારથી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાય છે ત્યારથી મોટી સંખ્યામાં પ્રેક્ષકો સ્ટેડિયમમાં આવી રહ્યા છે. પરંતુ, આ વખતે ડે મેચ રમાઇ રહી હોવાથી ટીકીટોનું વેચાણ ઓછું હોઇ શકે છે."
એડિલેડમાં ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા તથા ઇંગ્લેન્ડની ટીમોએ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી છે પરંતુ ભારતીય બોર્ડે ડે-નાઇટ ટેસ્ટ મેચમાં ગુલાબી બોલ (પીન્ક બોલ) વપરાતો હોવાના કારણે ઓસ્ટ્રેલિયન બોર્ડનો પ્રસ્તાવ નકાર્યો હોવાનું મનાઇ રહ્યું છે.

Source: Amit Shah
એડિલેડ ટેસ્ટ મેચ કવર કરી રહેલા ભારતીય પત્રકાર અમિત શાહના જણાવ્યા પ્રમાણે, "પ્રથમ દિવસની રમતનો પ્રારંભ થઇ ગયો છે, અને ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે તેમ છતાં પણ સ્ટેડિયમમાં કેટલાક સ્ટેન્ડ્સ ખાલી દેખાય છે."
"આ ઉપરાંત, ગુરુવારે ઓફિસ ચાલૂ હોવાના કારણે લોકો મેચથી દૂર રહ્યા હોઇ શકે. જોકે બપોર પછી સ્ટેડિયમ પ્રેક્ષકોથી ભરાય તેવી આશા છે," તેમ તેમણે ઉમેર્યું હતું.
ડે-નાઇટ ટેસ્ટ મેચ ઉપરાંત, એડિલેડમાં વીકેન્ડ દરમિયાન ટ્રેન સર્વિસ પણ બંધ છે. જેના કારણે, પ્રેક્ષકો સ્ટેડિયમથી દૂર રહી શકે છે.

Source: Amit Shah
કેઇથના જણાવ્યા પ્રમાણે, "શનિવાર તથા રવિવારે ટ્રેન સર્વિસ બંધ હોવી ખૂબ જ નિરાશાજનક છે. પરંતુ, બસ સર્વિસ દ્વારા લોકો સ્ટેડિયમ સુધી પહોંચી શકે તેવી અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ."