વર્તમાન ઉનાળામાં ઓસ્ટ્રેલિયાએ ઇતિહાસના સૌથી ભયંકર બુશફાયરનો અનુભવ કર્યો. અને, નવેમ્બર 2019થી શરૂ થયેલા બુશફાયરે ભારે તારાજી સર્જી હતી. જેમાં કરોડો પશુ પક્ષીઓએ પોતાના જીવ ગુમાવ્યા જ્યારે લગભગ 25 જેટલા લોકો તેમાં મૃત્યુ પણ પામ્યા. આ ઉપરાંત દેશમાં મિલીયન્સ ડોલરનું નુકસાન પણ થયું હતું.
વિવિધ સેલિબ્રિટીસ અને સામાજીક સંસ્થાઓ દ્વારા બુશફાયરનો ભોગ બનેલા લોકો માટે ફંડ એકઠું કરવામાં આવ્યું. જુદી જુદી સંસ્કૃતિના લોકો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી.
ત્યારે ઓસ્ટ્રેલિયાના બુશફાયરમાં નિર્દોષ પશુ પક્ષીઓને જીવ ગુમાવતા તથા પ્રકૃતિને નુકસાન થતું જોઇને હજારો કિલોમીટર દૂર કેનેડામાં રહેતી બે મહિલાઓને આઘાત લાગ્યો અને તેમણે ઓસ્ટ્રેલિયા આવીને અસરગ્રસ્તોને મદદ કરવા અંગે વિચાર્યું.
Image
ગુજરાતી – ઓસ્ટ્રેલિયને મદદ કરી
કેનેડાના શ્યૂ ટર્નર અને હોલી ફેરિસ ઓસ્ટ્રેલિયા આવ્યા ત્યારે તેમને આ ઉમદા કાર્યમાં મૂળ અમદાવાદના અને છેલ્લા દસ વર્ષથી મેલ્બર્નમાં રહેતા જયકિશન શર્માની મદદ મળી. તેમણે બંનેને પોતાના ઘરમાં આશરો આપ્યો અને વિવિધ સંસ્થાઓમાં ચીજવસ્તુઓના દાનમાં મદદ કરી હતી.
ઓસ્ટ્રેલિયાની તારાજી જોઇ અને કેનેડાથી ફ્લાઇટ પકડી
કેનેડામાં છેલ્લા 27 વર્ષથી પોડિયાટ્રીસ્ટ તરીકે કાર્ય કરતા 58 વર્ષીય શ્યૂ અને 24 વર્ષીય સપોર્ટ વર્કર હોલીએ ટેલિવીઝન પર ઓસ્ટ્રેલિયન બુશફાયરની તારાજીના દ્રશ્યો જોયા અને તેમણે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે કેનેડાથી ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ પકડી.
કેવી રીતે વિવિધ સંસ્થાઓને મદદ
- કમ્યુનિટી ગ્રૂપ્સ સાથે મિટીંગ્સ કરી
- એનિમલ સેન્ચ્યુરીની મુલાકાત લઇ કાંગારુઓના બચ્ચાઓને માટે પાઉચ આપ્યા
- વાનકુંવર ખાતેની એક કંપની સાથે મળીને તેમણે માસ્ક ભેગા કર્યા, હોસ્પિટલમાં દાન આપ્યા
- સ્થાનિક સ્કૂલો સાથે મળીને બાળકોને ચિત્રો દોરવા માટે પ્રોત્સાહિત કર્યા
- ડોક્યુમેન્ટ્રી બનાવી, મિત્રો સાથે શેર કરી
શ્યુ અને હોલીએ વિક્ટોરિયામાં બુશફાયરમાં નાશ પામેલા વિસ્તારમાં જઇને વીડિયો શૂટીંગ કર્યું હતું અને એક ફિલ્મ બનાવીને ફેસબુકના માધ્યમથી કેનેડામાં રહેતા પોતાના મિત્રોને બતાવી હતી જેથી તેમને ઓસ્ટ્રેલિયાના ભયાનક બુશફાયરની વાસ્તવિકતાની જાણ થાય અને તેઓ ફંડ દ્વારા પોતાનું યોગદાન આપી શકે.
Image
બેકયાર્ડમાં મ્યુઝીક કાર્યક્રમનું આયોજન
જયકિશને તેમના ઘરે બેકયાર્ડમાં ઓનલાઇન લાઇવ મ્યુઝીકના કાર્યક્રમનું આયોજન કર્યું અને
તેને ફેસબુકના માધ્યમથી લાઇવ સ્ટ્રીમ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે પોતાની દિકરી પ્રિશાના ચાઇલ્ડકેર સાથે મળીને વન્યજીવો તથા પર્યાવરણને બચાવવા માટે ચિત્રો દોર્યા અને ફંડ ભેગું કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.