કોરોનાવાઇરસની મહામારીના કારણે ઓસ્ટ્રેલિયામાં વિવિધ મુશ્કેલીનો સામનો કરી રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ટેમ્પરરી માઇગ્રન્ટ્સને દેશમાં કાર્યરત કેટલીક સામાજિક સંસ્થાઓની મદદ પ્રાપ્ત થઇ છે.
ઓસ્ટ્રેલિયાના જુદા – જુદા વિસ્તારો, જેમ કે દેશના પૂર્વમાં આવેલા ક્વિન્સલેન્ડના ટુવમ્બાથી લઇને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેર સુધી ધાર્મિક સંગઠનો, વોલન્ટિયર ગ્રૂપ્સ અને સામાજિક સંસ્થાઓએ મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોને જીવનજરૂરિયાતની વિવિધ ચીજવસ્તુઓ વહેંચીને તેમને સહયોગ આપ્યો છે.
સંસ્થાના કાર્યો અને જરૂરિયાતમંદોને તેમણે કરેલી મદદ પર એક નજર....
મેલ્બર્ન, વિક્ટોરિયા
વિક્ટોરીયાના મેલ્બર્ન શહેરમાં કાર્યરત ગુજરાતી હેલ્પલાઇને શહેરની વિવિધ સંસ્થાઓનો સંપર્ક કર્યો અને તેમને ભેગી કરીને જરૂરિયાતમંદોને કિટ્સ અને ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું છે.
સંસ્થાના સભ્ય અમિત રાયે SBS Gujarati ને જણાવ્યું હતું કે મેલ્બર્ન સ્થિત જુદી – જુદી સામાજિક સંસ્થાઓ પોતપોતાની રીતે જરૂરિયાતમંદોને મદદ કરી રહી હતી. તેથી ગુજરાતી હેલ્પલાઇન તરફથી જીગ્નેશ શાહ અને રોનક પટેલે હિન્દુ ઓર્ગેનાઇઝેશન્સ, ટેમ્પલ્સ એન્ડ એસોસિયેશન (HOTA)ના સહયોગથી તમામ સંસ્થાઓને એક કરી હતી.
અત્યાર સુધીમાં 13 સંસ્થાઓ તેમાં જોડાઇ છે:

Melborune based Gujarati helpline distributes food packets to the needy. Source: Supplied
ગુજરાતી હેલ્પલાઇન ઓસ્ટ્રેલિયા, બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર, શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ મેલ્બર્ન, યોગી ડિવાઇન સોસાયટી, એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર, મેલ્બર્ન શ્વેતાંબર જૈન સંઘ, સ્વામિનારાયણ મંદિર મેલ્બર્ન, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઓસ્ટ્રેલિયા, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન, શ્રી જલારામ મંડલ વિક્ટોરીયા, જેઇટી મેલ્બર્ન, મેલ્બર્ન મંદિર
સંસ્થા દ્વારા કરવામાં આવેલા કાર્યો:
- અત્યાર સુધીમાં 300 જેટલા ફૂડ પેકેટ્સ, નાસ્તા તેમજ વિદ્યાર્થીઓને જીવનજરૂરિયાતની વસ્તુઓની મદદ.
- આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને મેલ્બર્ન આવેલા મુલાકાતીઓના રહેવા માટે 15 ફ્લેટ્સ પણ ફાળવવામાં આવ્યા
પર્થ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
પર્થ ખાતે આવેલી દાદા ભગવાન સંસ્થા શહેરના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તમામ જરૂરિયાતમંદોને કોરોનાવાઇરસના સમયમાં તેમને ફૂડ પેકેટ્સ પહોંચાડીને મદદ કરી છે.
સંસ્થા તરફથી હિતેન શાહે SBS Gujarati ને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સહિત પર્થ શહેરના તમામ જરૂરિયામંદોને સંસ્થા દ્વારા ફૂડ પેકેટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Volunteer groups based in Perth provides free meals to needy people. Source: Supplied
અત્યારે શહેરના 40 વિસ્તારોમાં સંસ્થાના 30 સ્વયંસેવકો દરરોજ સાંજે પોતાની સેવા આપે છે અને આગામી દિવસોમાં હજી ઘણા વિસ્તારો વધારવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
સંસ્થાએ100થી પણ વધારે પરિવારજનોને 1700 જેટલા ફૂડ પેકેટ્સ વહેંચ્યાં છે.
ટુવમ્બા, ક્વિન્સલેન્ડ
ક્વિન્સલેન્ડ રાજ્યના રીજનલ વિસ્તાર ટુવમ્બામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ગુજરાતી સમાજની પહેલથી કરિયાણાની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારના અનાજ, મસાલા અને અન્ય ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરાયો હતો.
સંસ્થાના સભ્ય યજુ મહિડાએ SBS Gujarati ને જણાવ્યું હતું કે ટુમ્વમ્બામાં સ્ટુડન્ટ વિલેજ વિસ્તારમાં 85 ટાઉનહાઉસ છે જેમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ, જોર્ડન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, સમોઆ અને કમ્બોડિયાના મળીને કુલ 425 જેટલા વિદ્યાર્થીઓ રહે છે.
અમે જરૂરિયાત ધરાવતા તમામ વિદ્યાર્થીઓને અનાજ અને કરિયાણું વહેંચ્યું હતું, તેમ તેમણે ઉમેર્યું હતું.
વિવિધ સંસ્થાઓનો સહયોગ
આ સામાજિક કાર્ય માટે વર્નામ કલ્ચરલ સોસાયટી તરફથી રાજારાજન થેનાવન, સશિથેરાન વિજયાસિંગમ, નાગેશ્વરન એમ.એસ, પ્રશાંત કુમાર, હરિ પ્રભુ અને શ્રીરાઘવ રંગરાજનનો ગુજરાતી સમાજ ટુવમ્બાને સહયોગ પ્રાપ્ત થયો હતો.
સામાજિક સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મદદની જાણ થતા વિસ્તારના સ્થાનિક લોકોએ પણ સંસ્થાને પોતાની મદદનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમ યજુએ જણાવ્યું હતું.

Volunteer groups based in Toowoomba provide free grocery kits to international students. Source: Supplied
રેડ ક્રોસ
ઓસ્ટ્રેલિયન સરાકાર પાસેથી ફંડ પ્રાપ્ત કરતી સંસ્થાએ કોરોનાવાઇરસના સમયમાં નાણાકિય સમસ્યાનો સામનો કરી રહેલા ટેમ્પરરી વિસાધારકોને ફંડ પૂરું પાડવાનું આયોજન કર્યું છે.
સંસ્થાની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, જે લોકો ઓસ્ટ્રેલિયામાં વર્તમાન પરિસ્થિતીમાં ટેમ્પરરી વિસા હેઠળ વસવાટ કરી રહ્યા છે, જેમની પાસે નાણકિય મદદ માટેનો કોઇ વિકલ્પ ઉપલબ્ધ નથી તથા તેમને સેન્ટરલિન્ક, મેડિકેર જેવી સુવિધાઓ પ્રાપ્ત નથી તે લોકોને સંસ્થા દ્વારા મદદ પૂરી પાડવામાં આવશે.