હાઇલાઇટ્સ
- માઇગ્રેશન એજન્ટ્સની સલાહ પ્રમાણે, નોકરી માટે અરજી કરતી વખતે ટેમ્પરરી માઇગ્રન્ટ્સે તેમની વિસાની શરતો વિશે જાણકારી આપવી જોઇએ.
- નોકરીદાતાના મત પ્રમાણે, જે ઉમેદવાર ટૂંકા-ગાળાનો કોન્ટ્રાક્ટ સ્વીકારવા તૈયાર હોય તેમને નોકરી મળવાની તકો વધી જાય છે.
- નોકરી શોધી રહેલા આંતરરાષ્ટ્રીય વ્યવસાયિકો સલાહ અને સહયોગ મેળવવા માટે પરોક્ષ રીતે સંપર્ક કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાના વેપાર – ઉદ્યોગ અને નોકરી ઇચ્છુક લોકોએ આ પ્રકારની આર્થિક સંકડામણ વિશે કદાચ જ વિચાર કર્યો હશે.
પરંતુ, કેન્દ્રીય ટ્રેઝરરના જણાવ્યા પ્રમાણે, અર્થતંત્ર પરની આ પરિસ્થિતી “સદીમાં એક વખત લાગતો ઝટકો” છે
VisAustralia ના ડાયરેક્ટર અને સોલિસીટર નિક હોસ્ટનના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઇરસ અગાઉ ઓસ્ટ્રેલિયા આવવાનું આયોજન કરી રહેલા ટેમ્પરરી માઇગ્રન્ટ્સ હાલમાં ભારે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.
તેમને નોકરી મળી જશે તેવી આશા સાથે તેઓ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા પરંતુ, હવે પરિસ્થિતી તદ્દન બદલાઇ ગઇ છે.
હોસ્ટને ટેમ્પરરી વિસાધારકોને સલાહ આપતા જણાવ્યું હતું કે તેમણે નોકરીની અરજી કરતી વખતે તેમના વિસાની વિગતો તથા કાર્યની શરતો તથા હકો વિશે જાણ કરવી જરૂરી છે.
નોકરી માટે ભરતી કરતી સંસ્થા Hays ના રીજનલ ડાયરેક્ટર ડેવિડ કોવલીએ સહેમતિ દર્શાવતા જણાવ્યું હતું કે, અરજીકર્તા તેમની સંસ્થામાં ઓછામાં ઓછા 6 મહિના સુધી નોકરી કરી શકશે કે કેમ તે અંગે નોકરીદાતાએ પૂછપરછ કરવી જોઇએ.
તેમણે ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયન ઉમેદવારને સ્થાનિક અનુભવ હોય છે અને તેમને કાર્યના કલાકોની મર્યાદા ન હોવાથી નોકરી શોધી રહેલા આંતરરાષ્ટ્રીય અરજીકર્તાઓને સ્થાનિક ઉમેદવારના પડકારનો સામનો કરવો પડે છે.
ભારતીય મૂળના પૌલવિન મેથ્યુ પાસે ઓસ્ટ્રેલિયન કાર્યસ્થળનો અનુભવ ન હોવાથી તેને ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તેણે કુવૈતમાં પોતાની નોકરી છોડીને ડિસેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયન યુવતી સાથે લગ્ન કર્યા હતા અને માર્ચ મહિનામાં તેને ઓસ્ટ્રેલિયામાં નોકરી કરવાના હકો પ્રાપ્ત થયા હતા.

Empty Burke Street Mall - AAP/Kim Christian Source: AAP
મેથ્યુ આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થઇ તેના થોડા સમય અગાઉ જ ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં તેને નવી સંસ્કૃતિ અને સંવાદ કરવાની અલગ પદ્ધતિનો અનુભવ થયો હતો.
સાત વર્ષનો અનુભવ હોવા છતાં પણ મારે નવેસરથી શરૂઆત કરવી પડી હતી. માટે કવર લેટર તથા CV પણ નવો બનાવવો પડ્યો હતો.
વિક્ટોરીયા સ્થિત એજન્સી AMES Australia ના જણાવ્યા પ્રમાણે, નોકરી મેળવવામાં મદદ ઇચ્છતા ટેમ્પરરી માઇગ્રન્ટ્સ સામાન્ય સમય કરતા હાલની પરિસ્થિતીમાં સંસ્થાનો વધુ સંપર્ક કરી રહ્યા છે.
મીડિયા મેનેજર લૌરિન નોવેલના જણાવ્યા પ્રમાણે, ટેમ્પરરી માઇગ્રન્ટ્સ ફૂડ ડિલીવરી, હોસ્પિટાલિટીના ક્ષેત્રમાં નોકરી કરીને આવક મેળવી રહ્યા છે.
નોવેલ જણાવે છે કે હાલનો સમય થોડો કઠિન જરૂર છે પરંતુ દેશમાં સ્થાયી થતા નવા માઇગ્રન્ટસે તેમની અંગ્રેજી ભાષાની લાયકાત અને સ્કીલ સુધારવા માટે TAFE દ્વારા મફતમાં ઉપલબ્ધ થતા કોર્સનો લાભ લેવો હિતાવહ છે.
કોવલી જણાવે છે કે, જે ઉમેદવારની માતૃભાષા અંગ્રેજી નથી અને જો તેઓ ઉચ્ચ ગુણવત્તા સાથે લેખિત અને મૌખિક સંવાદ કરવાની કળા ધરાવતા હોય તો તેમને તેનો લાભ મળે છે.
કોવલીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોરોનાવાઇરસના કારણે કાર્ય કરવાની પ્રણાલીમાં ફેરફાર આવ્યા છે. જે ઉમેદવાર તે ફેરફાર ગ્રહળ કરવામાં સક્ષમ હોય તેને વધુ લાભ મળી શકે છે.
જે ઉમેદવાર પાસે આઇટી અથવા ટેક્નોલોજીનો અનુભવ છે તેઓ વિવિધ સંસ્થાઓને મદદરૂપ થઇ શકે છે. કારણ કે વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખતા ભવિષ્યમાં કાર્યસ્થળેથી નોકરી કરવાને બદલે ઘરેથી જ નોકરી કરવાનું પ્રમાણ વધી શકે છે.
AMES ના ઇન્ડસ્ટ્રી અને ક્લાયન્ટ મેનેજર મેન્ડી રેક્ટક્લિફે જણાવ્યું હતું કે, અનુભવ અને સ્થાનિક શિક્ષણ ન ધરાવતા લોકો માટે પણ ઘણી બધી નોકરી ઉપલબ્ધ છે.
રેક્ટક્લિફે જણાવ્યું હતું કે, AMES ના માધ્યમથી જુલાઇ મહિનામાં ઘણા લોકોને નોકરી મળી છે.
અમારી પાસે પાલતૂ પ્રાણીઓને ખોરાક ઉપલબ્ધ કરાવનારા વિતરક છે જેઓ ખાદ્યપદાર્થો પેક કરી શકે તેવા લોકોની શોધમાં છે.
જૂન મહિનામાં Hays દ્વારા 1100 નોકરીદાતાઓ પર કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે, દર પાંચમાંથી એક વ્યક્તિને નોકરીનો પ્રસ્તાવ છે અને ત્રીજાભાગથી વધુ લોકો નોકરી મેળવી પણ રહ્યા છે.
કોવલીના જણાવ્યા પ્રમાણે, આરોગ્ય ક્ષેત્ર, એજ કેર, ફાર્માસ્યુટીકલ રીસર્ચ, ઓનલાઇન માર્કેટીંગ, ચીજવસ્તુના ઉત્પાદન, આઇટી, બેન્કિંગ, ક્લિનીંગ અને માઇનિંગ જેવા ક્ષેત્રોમાં નોકરીની તકો રહેલી છે.
તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં વિદેશમાં સ્થાયી કોલ સેન્ટર્સ તેમની સેવા ઉપલબ્ધ કરાવી શકતા નથી. તેવા સમયમાં ઉણપ પૂરી કરવા માટે વેપાર – ઉદ્યોગો ઓસ્ટ્રલિયા સ્થિત કોલ સેન્ટર તરફ નજર કરી રહ્યા છે. તેથી, ટૂંકાગાળા માટે નોકરી શોધતા ઉમેદવારો પાસે નોકરીની તક રહેલી છે.

یک معدن طلا در ایالت وسترن آسترالیا Source: AAP Image/Kim Christian
કોવલી જણાવે છે કે કોઇ પણ નોકરી માટે ટૂંકાગાળાનો કરાર સ્વીકારવો જરૂરી છે.
ઓસ્ટ્રેલિયા ટેલિહેલ્થ અને ડિઝીટલ માધ્યમના ઉપયોગ તરફ વળી રહ્યું છે. ઓનલાઇન સંવાદનો વધુ ઉપયોગ કરતા યુનાઇટેડ કિંગડમ, અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં કાર્ય કરી ચૂકેલા લોકો અહીંની સંસ્થાઓને પણ આ પદ્ધતિ અપનાવવામાં સહયોગ આપી શકે છે.
કેટલાક લોકો પાસે અહીંનો સ્થાનિક અનુભવ ન હોય પરંતુ તેમની પાસે આ પ્રકારનો અનુભવ હોઇ શકે છે.
રેક્ટક્લિફ નોકરી શોધતા લોકોને સલાહ આપે છે કે તેમણે નોકરી શોધવામાં જ પોતાની શક્તિ ન વેડફવી જોઇએ પરંતુ, મદદ માટે અન્ય લોકોનો પણ સંપર્ક કરવો જરૂરી છે.
વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી તમારે સલાહ અને કારકિર્દી વિશેનું માર્ગદર્શન મેળવવું મહત્વપૂર્ણ છે.
મેથ્યુને એડિલેડ સ્થિત એક કંપની તરફથી નોકરીનો પ્રસ્તાવ મળ્યો હતો પરંતુ સરહદો બંધ થતા તે કંપનીએ સ્થાનિક કર્મચારીને નોકરી આપવાનો નિર્ણય લીધાનું મેથ્યુને જણાવ્યું હતું.
તે સમયથી જ મેથ્યુ સમગ્ર સમય નોકરીની શોધમાં રહે છે.
સામાજિક રીતે એકલતાપણું અનુભવી રહેલો મેથ્યુ ઓસ્ટ્રેલિયન કાર્યપ્રણાલીમાં ભળી જવા પ્રયત્ન કરી રહ્યો છે અને તે હાલમાં લિન્ક્ડઇન પર ખૂબ જ સક્રિય છે.
મેં લિન્ક્ડઇન પર ઘણા અજાણ્યા લોકો પાસેથી માર્ગદર્શન મેળવવા તેમનો સંપર્ક કર્યો.
આ દરમિયાન તેને ઓસ્ટ્રેલિયા સ્થિત એન્જીનીયર્સના એક સમૂહ સાથે સંપર્ક થયો, જેમાં મોટાભાગના સભ્યો ભારતીય મૂળના હતા. તેઓ પણ કોરોનાવાઇરસના કારણે નોકરીમાં અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા હતા.
જે-તે ક્ષેત્રોના વ્યવસાયિકો દ્વારા મેળવેલી સલાહ અને માર્ગદર્શનનો મેથ્યુને લાભ થયો અને નોકરીની એક ડઝનથી પણ વધુ અરજી તથા ફોન પર સતત પૂછપરછ કર્યા બાદ તેની નોકરીના ઇન્ટરવ્યું માટે પસંદગી થઇ.
એક નોકરી માટે, નોકરીદાતા 200થી 300 અરજીઓ મેળવે છે. તેથી તેઓ તમામ CV પર ધ્યાન આપતા નથી. તેથી તેમનો ફોન પર સંપર્ક કરવો હિતાવહ છે.
રીઝર્વ બેન્કે આ વર્ષના અંત સુધીમાં બેરોજગારીનો દર 10 ટકા સુધી પહોંચી જાય તેવી શક્યતા વ્યક્ત કરી છે ત્યારે મોટાભાગના લોક દબાણ અનુભવી રહ્યા છે. હોસ્ટન જણાવે છે કે, વિદેશમાં ફસાઇ ગયેલા ટેમ્પરરી માઇગ્રન્ટ્સ વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયા પ્રવેશ કરી શકે તેમ નથી. તેથી જ, તેની સરખામણીએ ઓસ્ટ્રેલિયામાં રહેતા ટેમ્પરરી માઇગ્રન્ટ્સ હાલમાં સારી સ્થિતીમાં છે.

Source: Getty Images/GCShutter
જો તમે એક કર્મચારી તરીકે તમારી પ્રતિભામાં નિખાર લાવવા ઘણા પગલાં લીધા છે તેમ નોકરીદાતાને સાબિત કરી શકો તો તમારી પાસે ભવિષ્યમાં નોકરીની તકો વધી જશે.
મેથ્યુ હાલમાં ન્યૂકેસલ સ્થિત એક એનજીઓમાં સ્વયંસેવક તરીકે કાર્ય કરી કમ્યુનિકેશન સ્કીલમાં સુધાર અને સ્થાનિક અનુભવ મેળવી રહ્યો છે.
એક સમયે તે ટેક અવે રેસ્ટોરન્ટમાં કેઝ્યુઅલ સ્ટાફ તરીકે નોકરી કરી રહ્યો હતો. પરંતુ, ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના કેસમાં વધારો થતા તેની બે દિવસની નોકરીમાં કાંપ મૂકવામાં આવ્યો છે.
મેં ઘણી મુશ્કેલીનો સામનો છે. તેથી મને ખબર છે તેની સરખામણીમાં વર્તમાન પરિસ્થિતી કંઇ જ નથી. અને, કોઇ પરિસ્થિતી કાયમી નથી.
જો તમારે દુભાષિયાની સેવાની જરૂરિયાત હોય તો 13 14 50 પર નેશનલ ટ્રાન્સલેટીંગ એન્ડ ઇન્ટરપ્રિટીંગ સર્વિસનો સંપર્ક કરો.