સિડની સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના નિવેદન પ્રમાણે, ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં રહેતો ભારતીય સમુદાય હવે જસ્ટિટ ઓફ ધ પીસ (Justices of the Peace) પાસે તેમના દસ્તાવેજ પ્રમાણિત નહીં કરાવી શકે.
કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા (સિડની) એ ટ્વિટરના માધ્યમથી આ અંગે જાહેરાત કરી હતી.
જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ન્યૂ સાઉથ વેલ્સ સરકાર દ્વારા રાજ્યના રહેવાસીઓ માટે તેમના દસ્તાવેજો પ્રમાણિત કરાવવા માટે એક યાદી બહાર પાડવામાં આવી છે.
અને હવે, ન્યૂ સાઉથ વેલ્સ જસ્ટિસ ઓફ પીસ પાસપોર્ટ સહિતના અન્ય દસ્તાવેજો પ્રમાણિત કરી શકશે નહીં. પબ્લિક નોટરીસ એક્ટ 1997 અંતર્ગત ન્યૂ સાઉથ વેલ્સ પબ્લિક નોટરી જ વિદેશી દસ્તાવેજો પ્રમાણિત કરી શકશે.
ભારતીય સમુદાયને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે
સિડની સ્થિત જસ્ટિસ ઓફ પીસ દીપકભાઇ પઢીયારે SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 7મી સપ્ટેમ્બરના રોજ સિડની ખાતેના ભારતીય કોન્સ્યુલેટે એવી જાહેરાત કરી હતી કે અગાઉ જે દસ્તાવેજો જસ્ટિસ ઓફ પીસ સર્ટિફાઇડ કરતા હતા તે હવે પબ્લિક નોટરી પાસેથી પ્રમાણિત કરાવવા પડશે.
આ નિર્ણય માત્ર ન્યૂ સાઉથ વેલ્સમાં જ લાગૂ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યોના જસ્ટિસ ઓફ પીસ વિદેશી દસ્તાવેજો પ્રમાણિત કરી શકે છે.
મોટાભાગે નોટરીની ઓફિસ સોમવારથી શુક્રવાર દરમિયાન જ કાર્યરત હોવાથી વ્યવસાયિકોને નોકરીમાંથી રજા લેવી પડી શકે છે જ્યારે, જસ્ટિસ ઓફ પીસ વીકેન્ડ દરમિયાન પણ તેમને પોતાની સેવા ઉપલબ્ધ કરાવી શકે છે.
આ ઉપરાંત, કોરોનાવાઇરસના સમયમાં આ નિર્ણય આર્થિક મુશ્કેલીનો સામનો કરતા લોકોની તકલીફમાં ઘણો વધારો કરી શકે છે. તેમ દીપકભાઇ પઢીયારે ઉમેર્યું હતું.
રાજ્ય સરકારના દિશા-નિર્દેશથી નિર્ણય લેવાયો
સિડની સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના વાઇસ કોન્સ્યુલ શિવાનંદ શાલીમઠે SBS Gujarati ને જણાવ્યું હતું કે, ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય સરકારના દિશા-નિર્દેશ પ્રમાણે પબ્લિક નોટરી પાસે જ વિદેશી દસ્તાવેજો પ્રમાણિત કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને, તે અંગેની તમામ માહિતી વેબસાઇટ પર આપવામાં પણ આવી છે.
જોકે, VFS ની વ્યક્તિગત મુલાકાત દ્વારા સ્વપ્રમાણિત ભારતીય પાસપોર્ટ સ્વીકારવામાં આવશે.
બીજી તરફ, સિડની ખાતેના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાને તેમનો નિર્ણય બદલવા માટે એક પીટીશન પણ દાખલ કરવામાં આવી છે.