ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના કારણે નિયંત્રણો અમલમાં મૂકવામાં આવતા નવા વર્ષની ઉજવણીને અસર પહોંચી છે
ઘણા સ્થળો પર ફટાકડાની આતશબાજી રદ કરવામાં આવી છે તથા ઘરમાં ભેગા થતા મહેમાનોની સંખ્યા પણ ઓછી કરવામાં આવી છે. તથા લોકોને એકબીજાને નહીં ભેટવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
વિવિધ પ્રતિબંધોની વચ્ચે આજે નવા વર્ષની ઉજવણી માટે તમે શું કરી શકો તથા શું ન કરી શકો તે અંગેની એક માર્ગદર્શિકા
ન્યૂ સાઉથ વેલ્સ
સિડની હાર્બર પર રાત્રે 9 વાગ્યે ફેમિલી ફાયરવર્ક્સ નહીં યોજાય, પરંતુ મધ્યરાત્રીએ હાર્બર બ્રિજ પર નાની ફટાકડાની આતશબાજી યોજવામાં આવશે. સામાન્ય લોકો માટે 'ગ્રીન ઝોન'ના તમામ વિસ્તારોમાં પ્રવેશબંધી હોવાથી આ કાર્યક્રમ ટીવી પર નિહાળવો પડશે.
'ગ્રીન ઝોન'માં રહેતા લોકો તથા રેસ્ટોરન્ટ્સ બુકિંગ અને ત્યાં કાર્ય કરતા કર્મચારીઓને આ નિયંત્રણોમાંથી છૂટ મળશે.
'ગ્રીન ઝોન'ની આસપાસ 'યલો ઝોન' પણ નક્કી કરવામાં આવ્યો છે.
'યલો ઝોન'માં મુલાકાતીઓ કે રહેવાસીઓના પ્રવેશ માટે કોઇ નિયંત્રણ મૂકવામાં આવ્યા નથી. પરંતુ, આ વિસ્તારોમાં લોકોના મોટી સંખ્યામાં એકત્રિત થવાને પોલીસ મંજૂરી ન પણ આપે, તેમ ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
જો તમે ગ્રેટર સિડનીમાં (વોલોન્ગોંગ, સેન્ટ્રલ કોસ્ટ અને બ્લૂ માઉન્ટેન્સ) વસવાટ કરો છો તો તમે ઘરે બાળકો સહિત માત્ર 5 મહેમાનોને જ આવકારી શકશો.
આઉટડોર મેળાવડામાં લોકોના ભેગા થવાની મર્યાદા 50થી ઘટાડીને 30 કરવામાં આવી છે.
નોધર્ન બિચીસના ઉત્તર ભાગમાં રહેતા લોકોએ 9મી જાન્યુઆરી સુધી ઘરમાં જ રહેવું પડશે. જોકે, નવા વર્ષની પૂર્વસંધ્યાએ તેઓ તેમના જ વિસ્તારમાં રહેતા મહત્તમ 5 લોકોને ઘરે આવકારી શકશે.
જે લોકો નોધર્ન બિચીસના દક્ષિણ વિભાગમાં રહે છે તેઓ પણ તેમના જ વિસ્તારના મહત્તમ 5 લોકોને ઘરે આવકારી શકશે. પરંતુ તેઓ ગ્રેટર સિડનીમાં વસવાટ કરતા લોકોને ઘરે આવકારી શકશે નહીં.
આ બંને ભાગમાં આવેલા બાર, રેસ્ટોરન્ટ્સ ટેક-અને માટે કાર્યરત રહી શકશે.
સિડનીની બહારના વિસ્તાર માટે જે-તે કાઉન્સિંલ દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રતિબંધો અને માર્ગદર્શિકા વિશે માહિતી મેળવો.
ક્વિન્સલેન્ડ
બ્રિસબેનની મુખ્ય આતશબાજીને રદ કરવામાં આવી છે. તથા અજાણ્યા લોકોને નહીં ભેટવાની સલાહ આપવામાં આવી છે.
રાજ્યના મુખ્ય આરોગ્ય અધિકારી ડો જેનેટ યંગે જણાવ્યું હતું કે નવા વર્ષની ઉજવણી દરમિયાન તમારા જાણિતા લોકોને જ ચુંબન અથવા ભેટવું હિતાવહ છે.
ઘરમાં રહેતા સભ્યો સહિત મહત્તમ 50 લોકો ઘરે ભેગા થઇ શકશે.
આઉટડોરમાં 100 લોકોને ભેગા થવાની પરવાનગી.
વિક્ટોરીયા
સાંજે 5 વાગ્યાથી, ઘરની બહારના ઇન્ડોર વિસ્તારોની મુલાકાત લેતા સમયે માસ્ક પહેરવું જરૂરી છે.
વિક્ટોરીયામાં હવે ઘરની મુલાકાત લેવાની મહત્તમ મર્યાદા 30માંથી ઘટાડીને 15 કરવામાં આવી છે.
27મી ડીસેમ્બર બાદથી વોલોન્ગોંગ તથા બ્યૂ માઉન્ટેન્સની મુલાકાત લેનારા વિક્ટોરીયન્સે તેમનું આયોજન ટૂંકાવીને ગુરુવાર મધ્યરાત્રીના 11.59 વાગ્યા અગાઉ રાજ્યમાં પ્રવેશવું પડશે.
મુસાફરોએ પરત ફરવા માટે નવી પરમીટ લઇને, 24 કલાકની અંદર ટેસ્ટ કરાવવો પડશે તથા 14 દિવસ સુધી સેલ્ફ ક્વોરન્ટાઇન થવું પડશે.
યારા નદી પર થતી આતશબાજીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે લોકોને મેલ્બર્ન CBD ની મુલાકાત નહીં લેવા માટે જણાવ્યું છે. જે લોકો પાસે બુકિંગ હશે તેમને જ પ્રવેશ મળશે.
બાર, રેસ્ટોરન્ટ્સ અને નાઇટક્લબ જેવા અન્ય સ્થળો મર્યાદિત ગ્રાહકો સાથે કાર્યરત રહેશે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
રાજ્યમાં ઘણા સ્થળો પર ફટાકડાની આતશબાજીના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. તમામ કાર્યક્રમો વિશેની માહિતી અહીંથી મેળવી શકાશે.
રાજ્યમાં લોકોના ભેગા થવાની મહત્તમ મર્યાદા અમલમાં મૂકવામાં આવી નથી. પરંતુ, દર 2 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિનો નિયમ જરૂરી.
સાઉથ ઓસ્ટ્રેલિયા
એડિલેડમાં ફટાકડાની આતશબાજી રદ કરવામાં આવી છે. પરંતુ મરે બ્રિજ, વ્હાયલા, વિક્ટર હાર્બર અને પોર્ટ લિંકન જેવા સ્થાનિક વિસ્તારોમાં ફટાકડાની આતશબાજી યોજાશે.
ઘરમાં મહત્તમ 50 લોકો મુલાકાત લઇ શકશે પરંતુ દર 2 સ્ક્વેયર મીટરે 1 વ્યક્તિનો નિયમ જરૂરી.
ખાનગી આયોજનોમાં એક જ સ્થળે 200 લોકો ભેગા થઇ શકશે. પરંતુ, સ્ક્વેયર મીટરનો નિયમ પાળવો જરૂરી.
તાસ્મેનિયા
હોબાર્ટમાં રીવર ડેરવેન્ટ ખાતે રાત્રે 9.30 તથા મધ્યરાત્રીના ફટાકડાનો કાર્યક્રમ યોજાશે. જોકે, આ વર્ષે વિવિધ પોઇન્ટ્સ પરથી ફટાકડા જોઇ શકાય તે માટે ફટાકડા વધુ ઉંચાઇ સુધી જશે.
તાસ્મેનિયામાં દર 2 સ્ક્વેયર મીટર પર 1 વ્યક્તિનો નિયમ અમલમાં છે પરંતુ કોઇ એક ઇન્ડોર સ્થળ પર મહત્તમ 250 લોકો ભેગા થઇ શકે છે.
આઉટડોરમાં 1000 લોકો એક જ સ્થળે ભેગા થઇ શકે છે.

Hobart City fireworks Source: Hobart City Council
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
સતત બીજા વર્ષે ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં ફટાકડાની આતશબાજી યોજાશે નહીં. (અગાઉ ગયા વર્ષે બુશફાયરના કારણે કાર્યક્રમ રદ કરાયો હતો.)
ટેરીટરીના રહેવાસીઓને સ્થાનિક સ્થળો પર તથા લાઇટીંગ દ્વારા આ તહેવાર ઉજવવા માટે જણાવાયું છે.
ટેરીટરીમાં ઘરમાં ભેગા થવાની મહત્તમ સંખ્યાનો નિયમ લાગૂ કરાયો નથી.
રાજધાની કેનબેરામાં આઉટડોર મેળાવડામાં 500 લોકો ભેગા થઇ શકશે. જેમાં દર 2 સ્ક્વેયર મીટરે 1 વ્યક્તિનો નિયમ અમલમાં રહેશે.
નોધર્ન ટેરીટરી
નોધર્ન ટેરીટરીમાં ઇન્ડોર કે આઉટડોર સ્થળો પર લોકોના ભેગા થવા પર કોઇ નિયંત્રણ મૂકવામાં આવ્યું નથી પરંતુ તેમને સાથે રહેતા ન હોય તેવા લોકોથી 1.5 મીટરનું અંતર રાખવા માટે જણાવાયું છે.