ભારતીય મૂળના કર્મચારીઓને ઓછી ચૂકવણી બદલ મેલ્બર્નમાં કેકની દુકાનને 50,000 ડોલરનો દંડ

ફેડરલ સર્કિટ કોર્ટે મેલ્બર્નના પ્રખ્યાત લિટલ કપકેક્સ સ્ટોરને 49,896 ડોલરનો દંડ ફટકાર્યો હોવાનું ફેર વર્ક ઓમ્બુડ્સમાને નિવેદનમાં જણાવ્યું. મોટાભાગના કર્મચારીઓ ભારત, ઇન્ડોનેશિયા, સાઉથ કોરિયાના વિસાધારકો.

Cupcakes

Cupcakes Source: Pixabay

ફેર વર્ક ઓમ્બુડ્સમાનના જણાવ્યા પ્રમાણે, કોર્ટે મેલ્બર્નના શહેરી વિસ્તારમાં આવેલા ‘Little Cupcakes’ સ્ટોરના સંચાલકોને 49,896 ડોલરનો દંડ ફટકાર્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ફેડરલ સર્કિટ કોર્ટે શ્રી ક્રિષ્ણા ગુરુ પ્રાઇવેટ લીમીટેડ કે જે મેલ્બર્નના શહેરી વિસ્તારમાં લીટલ કપકેક્સ સ્ટોરનું સંચાલન કરે છે તેને 41,580 ડોલરનો દંડ આપ્યો છે. આ સ્ટોર હાલમાં ડેગ્રાવેસ સ્ટ્રીટ, વિલીયમ સ્ટ્રીટ પર કાર્યરત છે જે અગાઉ ક્વિન સ્ટ્રીટમાં કાર્યરત હતો.

આ ઉપરાંત, કોર્ટે કંપનીના ડાયરેક્ટર શ્રેયાંસ ધર્મેશ શાહ પર 8316 ડોલરનો દંડ પણ ફટકાર્યો છે.

સંસ્થાના 35 જેટલા કર્મચારીઓને જાન્યુઆરી 2018થી ફેબ્રુઆરી 2019 સુધી 57,179.69 ડોલરની ઓછી ચૂકવણી કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ચૂકવણી અને રેકોર્ડ રાખવા જેવી બાબતોમાં નિયમોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
ફેર વર્ક ઓમ્બુડ્સમાનના નિવેદન પ્રમાણે, ઓછી ચૂકવણી મેળવનારા કર્મચારીઓએ લીટલ કપકેક્સના સ્ટોર તથા બેકિંગ સુવિધામાં કાર્ય કર્યું હતું. જેમાંથી 10 કર્મચારીઓ 21 વર્ષથી નાની ઉંમરના હતા, જેમાંથી મોટાભાગના ભારત, સાઉથ કોરિયા તથા ઇન્ડોનેશિયાના વિસાધારકો હતા.

જજ કાર્લ બ્લેકે જણાવ્યું હતું કે આ બાબતનું જાણી જોઇને તથા ગંભીર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેની કર્મચારીઓને અસર પહોંચી છે.

તેમણે ઉમેર્યું હતું કે ટેકઅવે ખાદ્યપદાર્થોની સર્વિસ પૂરી પાડતા વ્યવયાસિકોમાં નિયમોનું પાલન નહીં કરવાનું પ્રમાણ વધ્યું છે, તેમણે કાયદા મુજબ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
ને આ બાબતે પોતાનું લેખિત નિવેદન આપતા શ્રેયાંસ શાહે જણાવ્યું હતું કે, ખોટાવર્ગીકરણના કારણે તેમ થયું છે. અમે કર્મચારીઓને પર્મેનન્ટ પાર્ટ - ટાઇમ ધોરણે નોકરી આપી હતી પરંતુ ફેર વર્ક ઓમ્બુડ્સમાને જણાવ્યું કે તેઓ કેઝ્યુઅલ કર્મચારીઓ તરીકે વર્ગીકૃત થવા જોઇએ.

જ્યારે ફેર વર્ક ઓમ્બુડ્સમાન દ્વારા અમને આ બાબતની જાણ કરવામાં આવી, અમે તાત્કાલિક ભરતીની પ્રક્રિયામાં સુધારો કર્યો અને ચૂકવણીનો જે ભેદ હતો તે પૂરો કર્યો હતો, તેમ તેમણે જણાવ્યું હતું.

ફેર વર્ક ઓમ્બુડ્સમાને જણાવ્યું હતું કે મોટાભાગની ઓછી ચૂકવણી ફાસ્ટ ફૂડ ઇન્ડ્રસ્ટ્રી એવોર્ડ 2010 અંતર્ગત કેઝ્યુઅલ કર્મચારીઓના પગારને લગતી બાબતોમાં થાય છે.

કર્મચારીઓને 20.08 ડોલરથી 10,960.77 ડોલરની ઓછી ચૂકવણી થઇ હતી. સંસ્થાએ તે સુધારી લીધી છે, તેમ ફેર વર્કે નિવેદનમાં ઉમેર્યું હતું.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Published

Updated

By SBS Gujarati
Source: SBS

Share this with family and friends