સરકારના 'Door Knocking' અભિયાન સાથે જોડાયેલા ઓસ્ટ્રેલિયાના ગુજરાતીઓ

વિક્ટોરીયન સરકારની ઘરે – ઘરે જઇને કોરોનાવાઇરસની માહિતી પહોંચાડવાની પહેલમાં સેવા આપતા તથા તેનો લાભ લેનારા ગુજરાતીઓ શું કહે છે, આવો જાણિએ...

Victorian health workers prepare to knock on doors in Broadmeadows to check if residents have coronavirus.

Victorian health workers prepare to knock on doors in Broadmeadows to check if residents have coronavirus. Source: AAP

વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના કેસમાં છેલ્લા બે અઠવાડિયાથી વધારો જોવા મળ્યો છે. તેથી જ, રાજ્ય સરકારે વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત હોય તેવા વિસ્તારોની યાદી જાહેર કરી છે .

અને, તે વિસ્તારોમાં ઘરે – ઘરે વિવિધ ટીમ મોકલી ત્યાંના રહેવાસીઓને કોરોનાવાઇરસની સત્તાવાર માહિતી આપી તેમનો ટેસ્ટ પણ કરવામાં આવે છે.

વિક્ટોરીયાના રેસરવોયર ખાતે રહેલા પૂજા ત્રિવેદીએ SBS Gujarati ને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી એક ટીમ તેમના ઘરે આવી હતી.

પૂજાએ ઉમેર્યું હતું કે, અમને સરકાર દ્વારા કોરોનાવાઇરસ સામે કેવા પગલાં લેવાઇ રહ્યા છે તેની જાણકારી આપી હતી.
સ્વયંસેવકોએ તેમને જણાવ્યું હતું કે, કોરોનાવાઇરસનો ટેસ્ટ ફરજિયાત નથી પરંતુ હિતાવહ છે.
જે કોઇ વ્યક્તિને ટેસ્ટ કરાવવો હશે તેમને ટેસ્ટીંગ કીટ આપવામાં આવશે ત્યાર બાદ એક ટીમ તેમના ઘરેથી ટેસ્ટના સેમ્પલ લઇ જશે અને ત્યાર બાદ તેમને ટેસ્ટનું રીઝલ્ટ આપવામાં આવશે, તેમ પૂજાએ જણાવ્યું હતું.

બીજી તરફ, વિક્ટોરીયન સરકારની આ પહેલમાં ભાગ લઇ રહ્યા છે, મેલ્બર્નમાં રહેતા મૂળ ગુજરાતી નિલધારા ગદાણી. તેમણે વિક્ટોરીયાના કોરોનાવાઇરસના હોટસ્પોટ વિસ્તાર બ્રોડમિડોસ અને પેકેનહામમાં ઘરે – ઘરે જઇને કોરોનાવાઇરસ વિશે માહિતી આપવાનું અને ટેસ્ટીંગ પ્રક્રિયામાં સહયોગ આપવાનું કાર્ય કરી રહ્યા છે.
Nildhara GAdani
Nildhara Gadani (right) goes door-to-door to carry out mobile testing and ensure locals have the most up-to-date health advice. Source: Supplied
SBS Hindi સાથેની વાતચીતમાં નિલધારાએ જણાવ્યું હતું કે, તેઓ વિક્ટોરીયન મલ્ટિકલ્ચરલ કમિશન સાથે છેલ્લા કેટલાક સમયથી જોડાયેલા છે, જ્યારે તેમને ખબર પડી કે વિક્ટોરીયન સરકાર બહુભાષીય વ્યક્તિની શોધમાં છે ત્યારે તેમણે આ કાર્ય માટે અરજી કરી હતી.

નિલધારાએ ઉમેર્યું હતું કે, આ ખૂબ જ ઉપયોગી પહેલ છે. તેના દ્વારા વિવિધ સમુદાય અને ઉંમરના લોકોને કોરોનાવાઇરસ સામે રાજ્ય સરકાર કેવી રીતે લડી રહી છે તેની જાણકારી પ્રાપ્ત થાય છે.

નિલધારાના જણાવ્યા પ્રમાણે, લોકોનો સહયોગ ઘણો સારો રહ્યો છે. સરકાર દ્વારા લોકોના ઘરે ઘરે જઇને તેમને જાગૃત કરવાના કાર્યની પ્રશંસા થઇ રહી છે.
જો લોકો ઘરે ન હોય તો અમે તેમના ઘર બહાર સેલ્ફ ટેસ્ટીંગ કીટ મૂકી દઇએ છીએ.
જોકે, કેટલીક વખત લોકો ટેસ્ટ કરાવવા તૈયાર પણ થતા નથી. તેમને અમે કોરોનાવાઇરસની સત્તાવાર માહિતી દ્વારા જાગૃત કરીએ છીએ, તેમ નિલધારાએ ઉમેર્યું હતું.

નિલધારા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણતા હોવાથી તેઓ વિવિધ સમુદાય સાથે યોગ્ય રીતે વાતચીત કરી તેમને કોરોનાવાઇરસની માહિતી આપે છે.

વિક્ટોરીયાના હોટસ્પોટ વિસ્તાર

વિક્ટોરીયન સરકારે 3038, 3064, 3047, 3060, 3012, 3032, 3055, 3042, 3021, 3046 પોસ્ટકોડ ધરાવતા વિસ્તારને કોરોનાવાઇરસના હોટસ્પોટ ગણી લોકડાઉનની જાહેરાત કરી છે.

લગભગ 300,000 લોકો આ વિસ્તારોમાં રહે છે અને, સરકારે આ વિસ્તારોમાં સ્થાયી લોકોને કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવા માટે સલાહ આપી છે.


Share

Published

By Vatsal Patel


Share this with family and friends