ઓસ્ટ્રેલિયાના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્યમાં કોરોનાવાઇરસની મહામારી બાદ યુવાનો અને નોકરી ઇચ્છુક ઉમેદવારો નોકરી શોધી શકે તે માટે તાજેતરમાં જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જોબ ફેરમાં પર્થમાં સ્થાયી વિવિધ સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને નોકરીદાતાઓ પાસેથી નોકરી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
જોબ ફેરમાં કેન્દ્રીય આસિસ્ટન્ટ મિનીસ્ટર ફોર યુથ એન્ડ એમ્પોયમેન્ટ સર્વિસ લુક હોવર્થ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હાઇલાઇટ્સ
- પર્થમાં નોકરી ઇચ્છુક ઉમેદવારો માટે જોબ ફેર યોજાયો
- હોસ્પિટાલિટી, એજ કેર, માઇનિંગ, એન્જિનીયરીંગ, બેન્કિંગ ક્ષેત્રની નોકરીઓ ઉપલબ્ધ કરાવાઇ
- નોકરીના ઇન્ટરવ્યુ માટે ટીપ્સ આપતા વર્કશોપનું આયોજન
3800 નોકરીની જાહેરાત
મંત્રી લુક હોવર્થે જણાવ્યું હતું કે જોબ ફેરમાં વિવિધ ક્ષેત્રોની મળીને કુલ 3800 જેટલી નોકરી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં 1500 લોકોએ નોકરી મેળવી હતી.

Assistant Minister for Youth and Employment Services Luke Howarth attended the job fair. Source: Luke Howarth/Facebook
ઇન્ટરવ્યુ પાસ કરવા માટેના વર્કશોપ
જોબ ફેરમાં નોકરી ઇચ્છુક ઉમેદવારો કેવી રીતે પોતાની પ્રતિભા દર્શાવી શકે તથા ઇન્ટરવ્યુમાં કેવી તૈયારી કરી શકાય તે અંગે માહિતી આપતા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વિદેશમાં જન્મેલા માઇગ્રન્ટ્સ માટે ટીપ્સ
મંત્રી હોવર્થે વિદેશમાં જન્મ પરંતુ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા હોય તેવા માઇગ્રન્ટ્સને નોકરી માટે ટીપ્સ આપતા જણાવ્યું હતું કે તેમણે નોકરીદાતાઓને મળવા ઉપરાંત, તેમની આજુબાજુમાં મિત્રવર્તુળમાં નેટવર્ક બનાવવું ખૂબ જ જરૂરી છે.
તેમજ, માઇગ્રન્ટ્સ સમુદાય સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનામાં ભાગ લઇને પણ નોકરીનું માર્ગદર્શન મેળવી શકે છે, તેમ હોવર્થે ઉમેર્યું હતું.

Job Fair organised in Perth Source: Supplied by Amit Mehta
મંત્રી હોવર્થે યુવાનોને તેમનું સમગ્ર જીવન એક જ પ્રકારની નોકરી કરતાં વિવિધ ક્ષેત્રોમાં નોકરી મેળવવા પર ધ્યાન આપવા જણાવ્યું હતું.
ફેરમાં વિવિધ ક્ષેત્રોમાં નોકરીનો પ્રસ્તાવ
પર્થ ખાતે યોજાયેલા જોબ ફેરમાં હોસ્પિટાલિટી, ટ્રેડ વર્ક, માઇનિંગ, રીટેલ, એન્જીનિયરીંગ, એજ કેર, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસ, કંન્સ્ટ્રક્શન ક્ષેત્ર, લેબ ટેક્નિશીયન જેવી વિવિધ ક્ષેત્રોની નોકરી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
બીજી તરફ, નોકરી ઇચ્છુક ભારતીય મૂળના ઉમેદવારે જણાવ્યું હતું કે તેમની એનર્જી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પરની નોકરી છૂટી જતા તેઓ અહીં જોબ ફેરમાં આવ્યા હતા પરંતુ અહીં મોટાભાગે પ્રવેશ સ્તરની નોકરી અથવા ટેક્નિશીયન ક્ષેત્રની નોકરીનો પ્રસ્તાવ હોવાથી તેઓ નિરાશ થયા હતા.
આ ઉપરાંત, અન્ય એક મહિલાએ 18 મહિના અગાઉ નોકરી છૂટી જતા જોબ ફેરમાં ભાગ લઇને વિવિધ નોકરીઓ માટે તપાસ કરી માર્ગદર્શન મેળવ્યું હોવાનું જણાવ્યું હતું.