ઓસ્ટ્રેલિયન ઇતિહાસની સ્પર્ધામાં ગુજરાતી – ઓસ્ટ્રેલિયન અંશને નેશનલ એવોર્ડ

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થના 12 વર્ષીય અંશ સિદ્ધપુરા અને તેની ટીમ ઓસ્ટ્રેલિયન ઇતિહાસ અંગે યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા, વિક્ટોરીયા રાજ્યમાં થયેલા યુરેકા વિદ્રોહ અંગે વેબસાઇટ – વીડિયો બનાવ્યો.

Ansh Siddhpura with his medal and certificate.

Source: Supplied

ઓસ્ટ્રેલિયાના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્યના પર્થ શહેરમાં રહેતા 12 વર્ષીય અંશ સિદ્ધપુરા અને તેની ટીમને ઓસ્ટ્રેલિયન ઇતિહાસ અંગે યોજાયેલી નેશનલ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મળ્યો છે. 

યર 7માં અભ્યાસ કરતાં અંશ અને તેના અન્ય સાથીદાર ગેબ્રિયલ ઇંગ, રાયલી હેન્ડ અને ગ્લેડસન સેમે વર્ષ 1854માં વિક્ટોરીયા રાજ્યના બલારાટમાં થયેલા યુરેકા વિદ્રોહ અંગે એક વેબસાઇટ તથા વીડિયો બનાવી પ્રસ્તુત કરી હતી. જેને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

સ્કૂલથી નેશનલ ચેમ્પિયન બનવાની સફર

પર્થની હેરિસડેલ સિનીયર હાઇસ્કૂલમાં યર – 7માં અભ્યાસ કરતા અંશે તેના ત્રણ મિત્રો સાથે મળીને શાળા કક્ષાએ ઇતિહાસની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેમના પ્રોજેક્ટને પ્રથમ સ્થાન મળ્યું હતું.
Ansh (R) with his team members
Source: Supplied
ત્યાર બાદ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં રાજ્ય સ્તરે યોજાતી કક્ષામાં યુરેકા વિદ્રોહના પ્રોજેક્ટને પ્રવેશ મળ્યો હતો. જેમાં પણ તે વિજેતા બનતા પ્રોજેક્ટ રાષ્ટ્રીય સ્તરે યોજાતી ઓસ્ટ્રેલિયન ઇતિહાસની સ્પર્ધા માટે પસંદ થયો હતો.

અને તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરા ખાતે યોજાયેલી સ્પર્ધામાં અંશ અને તેના સાથીદારોનો પ્રોજેક્ટ વિજયી બન્યો હતો. તેમને શિક્ષણ મંત્રીના હસ્તે એવોર્ડ એનાયત થયો હતો.

વિજેતા બનનારા અંશ સિદ્ધપુરાએ SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિશ્રમ હંમેશાં તેનું ફળ આપે જ છે. સ્કૂલમાં યોજાયેલી સ્પર્ધામાં અમે ઓસ્ટ્રેલિયન ઇતિહાસ અંગે કંઇક એવું પ્રસ્તુત કરવા માંગતા હતા જે દેશના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવતી હોય પરંતુ જેની ઘણા ઓછા લોકોને ખબર હોય.

તેથી જ અમે યુરેકા વિદ્રોહ અંગે રીસર્ચ કર્યું અને ત્યાર બાદ વેબસાઇટ બનાવી સ્ક્રીપ્ટની રચના કરી અને ઇતિહાસ દર્શાવતો આકર્ષક વીડિયો પણ રજૂ કર્યો હતો.

શું છે યુરેકા વિદ્રોહ

યુરેકા વિદ્રોહ વિક્ટોરીયા રાજ્યના બલારાટમાં વર્ષ 1854માં થયો હતો. જેમાં સોનાની ખાણમાં કાર્ય કરતા મજૂરોએ તેમને આપવા પડતા વધુ પડતા ટેક્સ અને અન્યાય સામે લડત લડી હતી. જોકે, તેમનો લડતમાં પરાજય થયો હતો. પરંતુ આ ઘટનાથી જ ઓસ્ટ્રેલિયામાં લોકતંત્રનો પાયો નંખાયો હોવાનું મનાય છે.

વિક્ટોરીયન બંધારણમાં આ ઘટના બાદ વિવિધ સુધારા થયા અને બ્રિટીશ સંસદે તેને માન્યતા પણ આપી હતી.
Ansh with his parents.
Source: Supplied

અંશ સર્ટીફાઇડ “પાયથોન” પ્રોગ્રામર

અંશ હાલમાં યર 7માં અભ્યાસ કરે છે પરંતુ તેનું ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં પ્રદર્શન સારું હોવાના કારણે તે સાથે સાથે યર 8ના વિષયો પણ ભણી રહ્યો છે. આ ઉપરાંત તે કમ્પ્યુટરની “પાયથોન” ભાષાનો સર્ટીફાઇડ પ્રોગ્રામર પણ છે.

અંશની સિદ્ધી ગર્વની બાબત: પિતા મિલીંદભાઇ

અંશ રાષ્ટ્રીય સ્તરે ઓસ્ટ્રેલિયન ઇતિહાસ અંગે યોજાયેલી સ્પર્ધામાં વિજેતા બનતા પિતા ડો મિલીંદભાઇ અને માતા ડો આરતી સિદ્ધપુરાએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતી મૂળ હોવા છતાં પણ અંશ ઓસ્ટ્રેલિયન સંસ્કૃતિ તથા તેના ઇતિહાસ અંગેની સ્પર્ધામાં વિજેતા બન્યો તેનો ગર્વ છે.

Share

Published

By Vatsal Patel


Share this with family and friends