કોરોનાવાઇરસની મહામારીના સમયમાં ઘણા ભારતીય વિદેશમાં ફસાઇ ગયા છે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકતા વિદેશથી ભારત આવવા માંગતા વિદ્યાર્થીઓ, વિઝીટર્સ અને બિઝનેસ અર્થે વિદેશ ગયેલા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.
જોકે, તાજેતરમાં જ અમદાવાદ કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી એક નોંધ પ્રમાણે, જે મૂળ અમદાવાદના ભારતીય વિદ્યાર્થીઓ, બિઝનેસ ટ્રાવેલર્સ અને મુલાકાતીઓ હાલમાં વિદેશમાં છે અને તેઓ ભારત પરત આવવા માંગે છે તેમણે આપવામાં આવેલા ઇમેલ પર તેમની વિવિધ વિગતો ભરવાની રહેશે.
કઇ વિગતો ભરવાની રહેશે
અમદાવાદ કલેક્ટર કે.કે. નિરાલા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા નિવેદનમાં વિદેશમાં ફસાયેલા મૂળ અમદાવાદના લોકોને જો ભારત પરત ફરવું હશે તો તેમણે તેમની તમામ વિગતો આપવામાં આવેલા ઇમેલ પર મોકલવાની રહેશે ત્યાર બાદ તેમને પરત લાવવાની કાર્યવાહી શરૂ કરાશે.
- ભારતમાં રહેતા સગા-સંબંધીનું નામ
- ભારતીય સંપર્ક નંબર
- વિદેશમાં ફસાયેલા વ્યક્તિનું નામ
- વિદેશમાં ફસાયેલા વ્યક્તિનો નંબર
- દેશનું નામ
- શહેરનું નામ
- પાસપોર્ટ નંબર
- ગ્રૂપમાં જો અન્ય વ્યક્તિ હોય તો તેમનો નંબર
ઓસ્ટ્રેલિયામાં ફસાયેલા ભારતીયોએ પ્રક્રિયા શરૂ કરી
ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે પોતાના પુત્રની મુલાકાતે આવેલા રમેશભાઇ ભટ્ટના 15 મી મેના રોજ ઓસ્ટ્રેલિયન વિસા પૂરા થઇ રહ્યા છે. SBS Gujarati સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ઓસ્ટ્રેલિયાના વિસા લંબાવી શકાય તે માટે પ્રક્રિયા પણ ચાલૂ કરશે. જોકે આરોગ્યને ધ્યાનમાં રાખીને ભારત પરત જવું જરૂરી હોવાથી કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત મુજબ તેમની વિગતો ભરી દીધી છે.