આગામી ઇસ્ટરની રજાઓ સુધીમાં પેટ્રોલની કિંમત વધે તેવી શક્યતા છે. તેથી જ, વાહનચાલકોને અગાઉથી જ પેટ્રોલ ભરાવી લેવાની સલાહ આપવામાં આવી રહી છે.
ઇસ્ટર તથા શાળાઓની રજાઓના સમયમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 2 ડોલરથી વધી શકે છે. કમ્પેર ધ માર્કેટના આંકડા પ્રમાણે, સિડનીમાં ઘણા વાહનચાલકો અત્યારે 2 ડોલરથી વધુની કિંમત ચૂકવી રહ્યા છે.
સંસ્થાના તજજ્ઞ ક્રિસ ફોર્ડે જણાવ્યું હતું કે, કેટલાક રીટેલ વેપારો વધુ ગ્રાહકોને આકર્ષવા માટે પેટ્રોલની કિંમતો ઓછી રાખી રહ્યા હતા.
દાખલા તરીકે, સિડનીમાં સસ્તા અને મોંઘા પેટ્રોલ વચ્ચે પ્રતિ લીટરે 47 સેન્ટ્સનો ફરક છે.
50 લીટર પેટ્રોલ ભરાવતી વખતે 23.50 ડોલરનો ફરક થાય છે. જે મોટો આંકડો છે.
દેશના અન્ય મોટા શહેરોમાં પેટ્રોલની કિંમત સરખામણીમાં યોગ્ય છે. મેલ્બર્નમાં સરેરાશ કિંમત 1.78 ડોલર છે જ્યારે બ્રિસબેનમાં 1.79 ડોલર પ્રતિ લીટર પેટ્રોલની કિંમત છે.
હોલસેલ કિંમતમાં છેલ્લા એક પખવાડિયામાં 6 સેન્ટ્સનો ઘટાડો થયો છે. હાલમાં તે 1.69 ડોલર પ્રતિ લીટરે છે.
શું પેટ્રોલની કિંમત ઘટશે?
ઇસ્ટરની રજાઓ બાદ, પેટ્રોલની કિંમતોમાં ઘટાડો થઇ શકે છે તેમ ફોર્ડે જણાવ્યું હતું.
CommSec ના મુખ્ય અર્થશાસ્ત્રી ક્રેગ જેમ્સ જણાવી રહ્યા છે કે, ઇંધણની કિંમતોની અસર રીટેલ ચીજવસ્તુઓ પર થાય છે.
દરેક શહેરમાં ઇંધણની અલગ-અલગ કિંમત પણ રીટેલ ચીજવસ્તુઓના ભાવ પર અસર કરે છે. પરંતુ, વધઘટના કારણે ચીજવસ્તુઓની કિંમતમાં સીધો વધારો થતો નથી.
આગામી સમયમાં મંદીના ભયના કારણે ઇંધણની કિંમતો નિયંત્રિત રહી શકે છે આ ઉપરાંત, બેન્કિંગક્ષેત્રમાં થઇ રહેલી ઉથલ-પાથલ પણ તેમાં ભાગ ભજવી શકેછે.
જોકે, બીજી તરફ, ઇંધણની આપૂર્તિમાં વિક્ષેપ, ચાઇનીસ અર્થતંત્રની વૃદ્ધિ તથા સ્થિત થતો ફુગાવો અને વ્યાજદર ઇંધણની કિંમતો વધારી શકે છે.
CommSecના એનાલિસ્ટના અંદાજ પ્રમાણે, વર્ષના પ્રથમ ભાગમાં પ્રતિ બેરલ ઇંધણની કિંમત 120 ડોલર જેટલી છે. જે બીજા ભાગમાં વધીને પ્રતિબેરલ 135 ડોલર જેટલી થઇ શકે છે.
ઓસ્ટ્રેલિયામાં આ પરિબળોના કારણે વાહનચાલકોએ થોડી વધુ કિંમત આપવી પડી શકે છે, તેમ જેમ્સ જણાવી રહ્યા છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.