ગુજરાતના અમદાવાદની રહેવાસી સ્ટેફી મેકે કેન્સરને હરાવ્યું છે, તેને ઓક્ટોબર 2013માં Acute Lymphoblastic Leukaemia હોવાનું માલૂમ પડ્યું હતું. લગભગ એક વર્ષ સુધી તેણે કેન્સર સામે લડત કરી અને ત્યાર બાદ જર્મનીની એક અજાણી મહિલાના Bone Marrow ના દાન દ્વારા તેને નવું જીવન મળ્યું.
બે વર્ષના ઇંતેજાર બાદ, તેને નવી લાઇફ આપનારી મહિલાને જર્મની જઇને મળી, તેનો આભાર માન્યો અને પોતાના લગ્નમાં તેને ભારત પણ બોલાવી.
ગુજરાતની સ્ટેફી મેકે SBS Gujarati તેની જિંદગીના સૌથી મુશ્કેલ સમય તથા તે અજાણી મહિલાએ તેનો જીવ બચાવ્યો તે અંગે વાત કરી હતી.
પ્રથમ કિમોથેરાપીમાં સ્ટેફીને થોડી પરેશાન થઇ
માતા - પિતાના એકમાત્ર સંતાન એવી સ્ટેફી આગામી સમયમાં પોતાને માનસિક તથા શારીરિક રીતે ઘણી યાતનાઓનો સામનો કરવાનો હોવાની ખબર હોવાથી તે અગાઉથી જ તૈયાર હતી પરંતુ તેની પ્રથમ કિમોથેરાપી બાદ તેના માથાના વાળ ખરવા લાગતા તે થોડી પરેશાન થઇ ગઇ હતી. "હું ત્યાર બાદ પરિસ્થિતિ સમજી ગઇ હતી અને ટેવાઇ ગઇ હતી," તેમ સ્ટેફેીએ જણાવ્યું હતું.
તેણે પોતાના માતાપિતાની મેરેજ એનીવર્સરી નિમિતે પોતાના વાળની વિગ ભેટમાં આપીને ઉપસ્થિત તમામને ચોંકાવી દીધા હતા.

Steffi during her treatment in Vellore near Chennai. Source: Steffi Mac
Bone Marrow ટ્રાન્સપ્લાન્ટ
કિમોથેરાપી બાદ સ્ટેફીએ Bone Marrow ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હતું. Bone Marrow એ દર્દીના નકામા અથવા નાશ પામેલા સેલ્સના બદલે નવા સેલ્સ નાંખવાની પ્રક્રિયા છે. જેમાં ક્યારેક દર્દીને પોતાના સગા કે પરિવારના સભ્યમાંથી જ દાતા મળી જાય છે પરંતુ તે નહીવત્ત પ્રમાણના કેસમાં જોવા મળે છે.
સ્ટેફીની હોસ્પિટલ કે જ્યાં તેની સારવાર ચાલી રહી હતી તેમણે ભારતમાં દાતા માટે શોધ કરી પરંતુ તેમાં સફળતા ન મળી. હોસ્પિટલે યુરોપીયન રજીસ્ટ્રીમાં તે અંગે શોધ કરી અને જર્મનીમાં આયલિન નામની મહિલાના સેલ્સ તેને મળતા આવતા હતા.
જર્મનીની મહિલાએ તેનો જીવ બચાવ્યો
સ્ટેફીની Bone Marrow ટ્રાન્સપ્લાન્ટની સર્જરી માર્ચ 2014માં થઇ.
"મારી Bone Marrow ટ્રાન્સપ્લાન્ટની સર્જરી થઇ, [આ]જર્મનીની એક તદ્દન અજાણી મહિલાએ મારું જીવન બચાવ્યું હતું."
ભારતથી હજારી કિલોમીટર દૂર જર્મનીની આયલિન કે જેણે સ્ટેફીની મદદ કરી, તેને ફક્ત એમ જ કહેવાયું હતું કે ભારતમાં એક મહિલાને તમારા Marrow મળી રહ્યા છે અને તમે તે મહિલાનો જીવ બચાવી શકો છો.
આયલિન અને સ્ટેફીની 9માંથી 10 બાબતો એક સમાન જેવી હતી, સ્ટેફીએ Bone Marrow ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને નવજીવન મેળવ્યું.

Steffi with her donor Aylin during her India visit. Source: Steffi Mac
આયલિનને શોધી અને તેને જર્મની જઇ મળી
Bone Marrow ટ્રાન્સપ્લાન્ટના નિયમ પ્રમાણે કોઇ પણ દાતા કે તેને પ્રાપ્ત કરનાર વ્યક્તિ બે વર્ષ સુધી એકબીજાનો સંપર્ક ન કરી શકે કે તે અંગે કોઇને પૂછી ન શકે. પરંતુ સ્ટેફી પોતાને નવજીવન આપનાર દાતાને મળવા માટે આતુર હતી, તેણે રાહ જોઇ....
અને અંતે લગભગ બે વર્ષની લાંબી રાહ જોયા બાદ તેણે દાતાની વિગતો માંગી. તેણે આયલિનનો ફેસબુક પર સંપર્ક કર્યો અને ગયા વર્ષે સ્ટેફી તેને મળવા જર્મની ગઇ હતી.
"હું આયલિનને મળવા માટે ઉત્સાહિત હતી, અમે જ્યારે એકબીજાને મળ્યા ત્યારે ખૂબ જ ભાવુક થઇ ગયા હતા."
"આયલિન તેના સમગ્ર પરિવારને એરપોર્ટ પર લઇને આવી હતી. હું તેમની સાથે લગભગ 10 દિવસ સુધી રહી અને તેઓ હવે મારા પરિવારના સભ્યો જેવા બની ગયા છે."
સ્ટેફીના શરીરમાં ફેરફાર
ટ્રાન્સપ્લાન્ટના કારણે સ્ટેફીના શરીરમાં અમુક ફેરફાર થયા છે. આયલિનના Bone Marrow એ તેના શરીરમાં બદલાવ આવ્યા છે.
"હવે મારા શરીરમાં બે જીવ છે. એક મારું અને એક મારા દાતા આયલિનનું." તેમ સ્ટેફીએ જણાવ્યું હતું.
"તેના સેલ્સ દ્વારા મારા શરીરમાં ફેરફાર થયા છે. મારા વાળ હવે સીધા અને લાંબા થયા છે. મારા શરીરનો રંગ પણ નીખરવા લાગ્યો છે. મારે જ્યારે પણ કોઇ નવી વાનગી ખાવી હોય ત્યારે મારે આયલિનને પૂછવું પડે છે કે તે લીધા બાદ તેને કોઇ અવળી અસર થઇ છે કે કેમ."

Steffi and her husband Jeffy enjoys every bit of their life. Source: Steffi Mac
પરિવારે સપોર્ટ કર્યો, બોયફ્રેન્ડ સાથે લગ્ન
સ્ટેફીને પોતાના મુશ્કેલ સમયમાં પરિવારનો સહયોગ મળ્યો હતો અને તે જ સમયે તેના લાંબા સમયમાં બોયફ્રેન્ડ જેફીએ પણ તેને પૂરતો માનસિક સપોર્ટ આપ્યો હતો.
"જ્યારે મને કેન્સર હોવાની ખબર પડી ત્યારે મેં જેફીને હકીકત જણાવી અને બંને અલગ થઇ જઇએ તેમ મારી ઇચ્છા હતી કારણ કે મને મારા ભવિષ્ય અંગે કંઇ જ ખબર નહોતી. હું તેનું જીવન બરબાદ કરવા નહોતી માગતી."
"પરંતુ તેણે તેમ ન કર્યું. તે દરરોજ મારા ઘરે આવતો અને મારા તથા પરિવાર સાથે સમય પસાર કરતો અને અમને માનસિક સપોર્ટ આપતો હતો."
"જાન્યુઆરી 2018માં અમે લગ્ન કર્યા. મને નવજીવન આપનારી મારી દાતા આયલિન પણ અમારા લગ્ન માટે જર્મનીથી ખાસ ભારત આવી. હું આ તમામ ક્ષણો ક્યારેય ભૂલીશ નહીં," તેમ સ્ટેફીએ જણાવ્યું હતું.

Steffi with her husband Jeffy on a day of their wedding. Source: Steffi Mac
ઉજળું ભવિષ્ય
સ્ટેફી કેન્સરમાંથી સંપૂર્ણપણે મુક્ત થઇ ગઇ છે અને તેણે પીએચડી કર્યું. તે જૂન 2016થી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ઇંગ્લિશ વિભાગમાં લેક્ચરર તરીકે કાર્યરત છે.
સ્ટેફીએ લગભગ ત્રણ મહિના અગાઉ પોતાની "કેન વી નોટ" નામની યૂટ્યૂબ ચેનલ શરૂ કરી જેમાં તે દર્દીના પરિવારજનોને તથા મિત્રોને દર્દીને કેવી રીતે સપોર્ટ આપવો તેનું માર્ગદર્શન આપે છે.