ઓસ્ટ્રેલિયન કેન્દ્રીય સરકાર બિલિયન ડોલરના ખર્ચે અમલમાં મૂકેલી અંગ્રેજી ભાષા શીખવવાની યોજનાને વધુ લંબાવી વિવિધ સમુદાયના લોકો તેનો લાભ લઇ શકે તેવા પ્રયત્નો હાથ ધરશે.
એક્ટીંગ ઇમિગ્રેશન મંત્રી એલન ટજે નેશનલ પ્રેસ ક્લબ ખાતે Adult Migrant English Program માં કેટલાક ફેરફારની જાહેરાત કરી હતી.
જેમાં વર્ગના કલાકોની સંખ્યા તથા પાંચ વર્ષની સમય મર્યાદા જેવા નિયમો હટાવવામાં આવશે. જે અંતર્ગત, અંગ્રેજી ભાષાનું સામાન્ય જ્ઞાન ન ધરાવતા ઓસ્ટ્રેલિયન નાગરિક અથવા પર્મેનન્ટ રેસીડન્ટ યોગ્ય સ્તર સુધી અંગ્રેજી ભાષા ન શીખે ત્યાં સુધી મફતમાં આ કાર્યક્રમનો લાભ મેળવી શકશે.
વર્તમાન સમયમાં Adult Migrant English Program દ્વારા 510 કલાકનું મફતમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપવામાં આવે છે પરંતુ, મંત્રી એલન ટજે જણાવ્યું હતું કે, લોકો અંગ્રેજી ભાષાનું માત્ર 300 કલાક જેટલું જ જ્ઞાન મેળવે છે અને 21 ટકા લોકો પૂરતું જ્ઞાન લીધા વિના જ કાર્યક્રમ છોડી દે છે.

Alan Tudge addresses the National Press Club in Canberra, Friday, August 28, 2020 Source: AAP
લગભગ એક મિલિયન લોકો પાસે અંગ્રેજી ભાષાની નિપુણતા નથી
મંત્રી એલન ટજે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં લગભગ એક મિલિયન જેટલા લોકો પાસે અંગ્રેજી ભાષાની નિપુણતા નથી.
જેના કારણે તેઓ નોકરી મેળવવામાં તથા ઓસ્ટ્રેલિયન સમાજમાં ભળી જવામાં મુશ્કેલીનો સામનો કરે છે.
વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે, વિદેશમાં જન્મેલા ઓસ્ટ્રેલિયન્સ દેશમાં સ્થાયી થયાના 15 વર્ષ બાદ પણ યોગ્ય રીતે અંગ્રેજી બોલી શકતા નથી.
છેલ્લા 10 વર્ષમાં વધારો નોંધાયો
વસ્તી ગણતરી દરમિયાન મેળવવામાં આવેલા આંકડા પ્રમાણે, વર્ષ 2006માં યોગ્ય રીતે અંગ્રેજી ભાષા બોલી ન શકતા લોકોની સંખ્યા 560,000 હતી. જે વર્ષ 2016માં વધીને 820,000 થઇ ગઇ હતી.
કેન્દ્રીય લેબર પક્ષના બહુસાંસ્કૃતિક બાબતોના પ્રવક્તા એન્ડ્ર્યુ જાઇલ્સે જણાવ્યું હતું કે, લેબર પક્ષ સરકાર અને બહુસાંસ્કૃતિક સમાજ સાથે મળીને Adult Migrant English Program નવા સ્થાયી થતા માઇગ્રન્ટ્સની જરૂરિયાતોનું ધ્યાન રાખી તેમને સમાજમાં ભળવામાં સહયોગ આપશે.
સિટીઝનશિપની ટેસ્ટમાં ફેરફાર કરાશે
ઓસ્ટ્રેલિયન સરકાર ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપની પ્રક્રિયામાં ફેરફાર પર ભાર મૂકી રહી છે. નાગરિકતા માટેની પરીક્ષામાં હવે ‘ઓસ્ટ્રેલિયન મૂલ્યો’ વિશેના પ્રશ્નો સમાવવામાં આવશે.
મંત્રી ટજે જણાવ્યું હતું કે, જે વ્યક્તિ દેશના મૂલ્યો તથા કાયદાને સન્માન આપે તથા દેશના ભવિષ્ય માટે ફાળો આપે તેને ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ મેળવવા માટે લાયક બનશે.
વર્ષ 2019-20માં 200,000થી પણ વધુ લોકોએ ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવી હતી.