વિદેશથી ઓસ્ટ્રેલિયા મુસાફરી કરતા લોકોએ હવે કોવિડ-19 પ્રતિરોધક રસી મેળવી હોય તે જરૂરી નથી.
આ નિયમ બુધવાર 6 જુલાઇથી અમલમાં આવશે.
કોવિડ-19 મહામારીના બે વર્ષથી પણ વધુ સમય બાદ મુસાફરી અંગે વધુ એક નિયંત્રણ હટાવવાનો સરકારે નિર્ણય લીધો છે.
હાલમાં વર્તમાન જરૂરીયાત પ્રમાણે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરતા લોકોએ ઉતરાણ અગાઉ કોવિડ-19 પ્રતિરોધક રસી મેળવી છે કે તેમ તે અંગે સર્ટિફીકેટ દર્શાવવું જરૂરી છે.
રસી ન મેળવી હોય તેવા ઓસ્ટ્રેલિયાના નાગરિકો દેશમાં આગમન કરી શકે છે પરંતુ રસી ન મેળવનારા વિદેશી પ્રવાસીઓએ આગમન માટે પરવાનગી મેળવવી જરૂરી છે.
જોકે, 6 જુલાઇ 2022 રાત્રે 12.01 વાગ્યાથી આ જરૂરીયાત હટાવવામાં આવી રહી છે.
મતલબ કે, રસી નહીં મેળવનારા લોકો પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરી શકે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી માર્ક બટલરે જણાવ્યું હતું કે આ નિર્ણય આરોગ્ય સલાહને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

Source: AAP Image/Con Chronis
અને, આગામી સમયમાં પણ આરોગ્ય સલાહને ધ્યાનમાં રાખી અન્ય નિયંત્રણો પર કાર્ય કરવામાં આવશે.
એક આંકડા પ્રમાણે, રસી નહીં મેળવનારા 1000 લોકોએ મે મહિનામાં ઓસ્ટ્રેલિયા આગમન માટે મંજૂરી માંગી હતી. જેમાંથી 158 અરજીને મંજૂરી આપવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયા આગમન કરતા મુસાફરોએ ફેસમાસ્ક પહેરવું જરૂરી રહેશે.
ડીજીટલ પેસેન્જર ડિક્લેરેશનની પણ જરૂર નહીં
ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરતા મુસાફરોએ તેમની કોવિડ-19 પ્રતિરોધક રસીની માહિતી દર્શાવવા ડીજીટલ પેસેન્જર ડિક્લેરેશન કરવું જરૂરી છે પરંતુ હવે તેની પણ જરૂરીયાત રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે સરકારે આ વર્ષની શરૂઆતમાં ડીજીટલ પેસેન્જર ડીક્લેરેશન અમલમાં મૂક્યું હતું.