જે લોકોને અગાઉથી જ હ્દય સંબંધિત બિમારી, ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર અથવા અસ્થમા જેવી બિમારી થઇ છે તેવા લોકોને કોરોનાવાઇરસના સંક્રમણનું જોખમ સૌથી વધુ રહેલું છે. વાઇરસ ફેંફસા સુધી પહોંચી જતાં ત્યાં સોજો થાય છે અને શરીરને નુકસાન કરે છે.
વૈશ્વિક આંકડા પ્રમાણે, કોરોનાવાઇરસના કારણે આઇસીયુમાં દાખલ કરવામાં આવેલા 70 ટકા દર્દીઓને અગાઉથી જ કોઇ બિમારી હોવાનું જાણવા મળ્યું હતું.
આ આર્ટીકલમાં શરીરના અવયવોમાં આવતી નબળાઇ અને ઓછી રોગપ્રતિકારક શક્તિના લીધે ઉત્પન્ન થતી કોરોનાવાઇરસની પરિસ્થિતીની માહિતી આપવામાં આવી છે.
કોરોનાવાઇરસ માટે સૌથી નાજૂક આરોગ્યની સ્થિતીમાં, ફેંફસાને લગતી બિમારી, હ્દયને લગતી બિમારી, ડાયાબિટીસ, લીવર અને કિડની તથા કેન્સર જેવી રોગપ્રતિકારક શક્તિ ઘટાડતી તમામ બિમારીઓનો સમાવેશ થાય છે.
અસ્થમા
અસ્થમા શ્વસનને લગતી બિમારી છે. શ્વાસ લેવામાં અવરોધ આવતા આ બિમારી થઇ શકે છે. જેના લક્ષણોમાં કફ, છાતીમાં ખેંચ આવવી અને શ્વાસ લેવામાં પડતી તકલીફનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા 11 ટકા લોકોને આ બિમારી અસર કરે છે. બિન આદિજાતીના લોકો કરતા ઓસ્ટ્રેલિયાના આદિજાતીના લોકોમાં આ બિમારીનું પ્રમાણ વધુ છે. શ્વાસ લેવામાં અડચણ ઉભી થાય ત્યારે અસ્થમાની બિમારી થાય છે. જે લોકોનો અસ્થમાની બિમારી હોય તેમણે વધુ કાળજી રાખવી હિતાવહ છે કારણ કે કોરોનાવાઇરસ પણ હવાના કારણે જ ફેલાય છે.
ફેંફસાની અન્ય પરિસ્થિતી
અસ્થમાની પરિસ્થિતી બાદ ઓસ્ટ્રેલિયામાં અન્ય પ્રચલિત બિમારી હોય તો તે એસ્બેસ્ટોસિસ, શ્વસનનળી પર થતા સોજાની બિમારી, સિસ્ટીક ફાઇબ્રોસિસ, એમ્ફીસિમા, ફેંફસાનું કેન્સર, ઉરોદાહ, શ્વસનની બિમારી તથા ક્ષય રોગ છે.
હ્દયને લગતી બિમારી
વૈશ્વિક રીસર્ચના તારણ પ્રમાણે, સામાન્ય લોકોની સરખામણીમાં હ્દયને લગતી બિમારી ધરાવતા લોકોને કોરોનાવાઇરસમાં મૃત્યુ થવાનું સૌથી વધુ જોખમ રહેલું છે. તેમને કોરોનાવાઇરસ થવાની શક્યતા વધુ છે તેમ નથી પરંતુ તેમના શરીર પર આ રોગની વધુ ગંભીર અસર પહોંચી શકે છે. કોરોનાવાઇરસના કારણે હ્દયમાં સોજો થઇ શકે છે અને તેને નુકસાન અથવા હ્દયરોગ પણ આવી શકે છે.
– કસરત કરવી, યોગ્ય આહાર લેવો અને પૂરતી ઉંઘ લેવી જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દર અઠવાડિયે 150 મિનિટ સામાન્ય કસરત અથવા 75 મિનિટ તીવ્રતાપૂર્ણ કસરત કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત, બંનેનું સંયોજન કરી ઘરે કસરત કરી શકાય છે.
ડાયાબિટીસ
જે લોકોનો ડાયાબિટીસની બિમારી છે તેમના માટે પરિસ્થિતી વધુ પડકારજનક થઇ શકે છે. ડાયાબિટીસ ઓસ્ટ્રેલિયાએ ફ્લુની રસી મૂકાવવાની સલાહ આપી છે. આ ઉપરાંત, લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવવું પણ જરૂરી છે. જે લોકોને ડાયાબિટીસની બિમારી છે તેમને તાવ આવવાના કારણે વધુ ગંભીર પરિસ્થિતીનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત સામાન્ય લોકોની સરખામણીમાં શ્વસનને લગતી બિમારી પણ થઇ શકે છે. ડાયાબિટીસના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટતા વાઇરલ ઇન્ફેક્શન અને ફેંફસામાં બેક્ટેરિયાગ્રસ્ત ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. ઘણા ટાઇપ – 2 ડાયાબિટીસના દર્દીઓને મેદસ્વીપણું અને સ્થૂળતાની તકલીફ હોય છે જે ઇન્ફેક્શનના સમયમાં મુશ્કેલીમાં વધારો કરે છે.
લિવરની સ્થિતી
હેપેટાઇટીસ બી અને સી અથવા લિવરની અન્ય બિમારી ધરાવતા લોકોએ સામાન્ય લોકો જેવી જ તકેદારી રાખવી જોઇએ. જાગૃત બનો અને તકેદારી રાખી કોરોનાવાઇરસ સામે પોતાને બચાવો. જે લોકોનો લિવરની વધુ પડતી સમસ્યા છે તેમણે ઇન્ફ્યુએન્ઝા અને ન્યૂમોકોક્કલ રોગ સામે રક્ષણ મેળવવા રસી મૂકાવવી જરૂરી છે.
કીડનીને લગતી બિમારી
જે લોકોને કીડનીને લગતી બિમારી છે તેમને તાવની જેમ જ કોરોનાવાઇરસ સામે પણ વધુ જોખમ છે. જો કોઇ વ્યક્તિને માંદગી હોય, ડીહાઇડ્રેશન હોય કે ઇન્ફેક્શન થયું હોય કોરોનાવાઇરસ તે વ્યક્તિની કીડનીને ખૂબ જ નુકસાન કરી શકે છે.
કેન્સરની સારવાર
જે વ્યક્તિને કેન્સરની બિમારી છે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે તેથી જ તેમણે સારવાર લીધા અગાઉ અને ત્યાર બાદ તેમના ડોક્ટર દ્વારા આપવામાં આવતી સલાહ પ્રમાણે તકેદારી રાખીને ઇન્ફેક્શનનું જોખમ ઘટાડવું જોઇએ. જરૂરી ન હોય તો મુસાફરી કરવી તથા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ટાળી ઘરે જ સમય પસાર કરવો જોઇએ. દર્દીની રોગપ્રતિકારક શક્તિ ટ્રાન્સપ્લાન્ટ બાદની પરિસ્થિતી જેવી જ થઇ જાય છે.
ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ સમૂહમાં ભેગા થવા વિશે તમારા રાજ્યોની સરકારે નક્કી કરેલા પ્રતિબંધો તપાસો.
કોરોનાવાઇરસનો ટેસ્ટ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ છે જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
કેન્દ્રીય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી કોરોનાવાઇરસ ટ્રેસિંગ એપ COVIDSafe તમારા ફોનના એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.
SBS ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયોને કોરોનાવાઇરસ વિશેની તમામ માહિતી આપવા માટે કટિબદ્ધ છે. સમાચાર અને માહિતી પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.