ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં લેબર પક્ષ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યો છે.
શનિવારે યોજાયેલી ચૂંટણીની મતગણતરી પ્રમાણે, લેબર પક્ષ તરફથી ક્રિસ મિન્સ રાજ્યના નવા પ્રીમિયર બનવા જઇ રહ્યા છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં લેબર પક્ષે સત્તા મેળવતા જ ઓસ્ટ્રેલિયાના તમામ મુખ્ય રાજ્યોમાં હવે લેબર પક્ષ સત્તા પર છે. ફક્ત તાસ્મેનિયામાં જ લિબરલ પક્ષની સત્તા છે.
તેમના વિજયી સંબોધનમાં ક્રિસ મિન્સે જણાવ્યું હતું કે, તેમની પાર્ટી સરકાર રચવા માટે તૈયાર છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે સામે ઘણા જ પડકારો રહેલા છે. પરંતુ, ન્યૂ સાઉથ વેલ્સમાં લેબર પક્ષ ફરીથી સત્તા પર આવ્યો છે અને સરકાર તેને શ્રેષ્ઠ રાજ્ય બનાવવા અગ્રેસર રહેશે.
મિન્સે લિબરલ પક્ષના નેતા તથા પ્રીમિયર ડોમીનિક પેરોટેયનો તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાને ક્રિસ મિન્સને આવકાર્યા
વડાપ્રધાન એન્થની એલ્બાનિસીએ ચૂંટણીના દિવસે સિડનીમાં પ્રચાર દરમિયાન આગવી ભૂમિકા ભજવી હતી.
તેમણે સિડની ખાતે યોજાયેલા પક્ષના કાર્યક્રમમાં મિન્સને વિજય બાદ સ્ટેજ પર આવકાર્યા હતા.

NSW Labor Leader Chris Minns is congratulated by Prime Minister Anthony Albanese after the state election result. Source: AAP / Dean Lewins
બીજી તરફ, સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન લિબરલ પક્ષ તરફથી નેતા પીટર ડટ્ટનની ગેરહાજરી વર્તાઇ હતી.
પેરોટેયે સમર્થનનો પ્રસ્તાવ મૂક્યો
પરાજય બાદ ડોમીનિક પેરોટેયે શનિવારે રાત્રે 9 વાગ્યે પોતાનો પરાજય સ્વીકારીને ક્રિસ મિન્સને ફોન પર અભિનંદન પાઠવ્યા હતા.
અને, તેમણે ન્યૂ સાઉથ વેલ્સના લોકોને દેશના વિકાસ માટે ક્રિસ મિન્સને સમર્થન આપવા જણાવ્યું હતું.
પરાજય બાદ પક્ષના કાર્યકરોને સંબોધનમાં પેરોટેયે જણાવ્યું હતું કે, તમે કોઇ પણ પક્ષને સમર્થન આપતા હોય પરંતુ રાજ્ય અને દેશના વિકાસ માટે મિન્સને સહયોગ આપવો જરૂરી છે.
પક્ષના પરાજયની જવાબદારી સ્વીકારતા ડોમીનિક પેરોટેયે જણાવ્યું હતું કે, મિન્સ સારી રીતે સરકાર ચલાવશે.
પેરોટેયે સંસદમાંતી લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો.

Dominic Perrottet has stepped down as NSW Liberal leader after his party lost an election. Source: AAP / James Gourley
લેબર પક્ષના વિજય મેળવ્યા બાદ લિબરલ પક્ષના પરાજયની સમીક્ષા શરૂ થઇ ગઇ છે.
ભૂતપૂર્વ લિબરલ વડાપ્રધાન જ્હોન હાવર્ડે શનિવારે પક્ષના ચૂંટણી કાર્યક્રમમાં હાજરી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ડોમીનિક પેરોટેયે પ્રીમિયર તરીકે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં કાર્યભાર સંભાળ્યો હતો. અને, હું તેમની પ્રશંસા કરું છે.
ઉલ્લેખનીય છે કે, ગ્લેડિસ બેરેજીક્લિયાનના રાજીનામા બાદ ડોમીનિક પેરોટેયને રાજ્યના નવા પ્રીમિયર બનાવવામાં આવ્યા હતા.
લિબરલ પક્ષ સામે આગામી પડકાર
ડોમીનિક પેરોટેયના પક્ષના નેતા તરીકે રાજીનામા બાદ હવે લિબરલ પક્ષ આગામી દિવસોમાં પાર્ટીના નવા નેતાની નિમણૂક કરશે.
પેરોટેયે પક્ષના કાર્યકરોને સંબોધતી વખતે પોતાના રાજીનામાની જાહેરાત કરીને જણાવ્યું હતું કે, રાજ્યમાં પાર્ટીને એક તાજી શરૂઆતની જરૂર છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.