વંદે ભારત મિશનમાં ઓસ્ટ્રેલિયાથી ભારત માટે જે ફ્લાઇટ્સ રવાના થઇ તે તમામ ફ્લાઇટ્સ સિડની અને મેલ્બર્નથી ઉપડી હતી.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થથી ભારત જવા માટેની એક પણ ફ્લાઇટ ન હોવાથી પર્થ સ્થિત એક ખાનગી કંપનીએ ન્યૂ દિલ્હીની ચાર્ટર્ડ ફ્લાઈટ નક્કી કરી હતી.
જેમાં સ્થાનિક ISWA (ઇન્ડીયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા) નામની સંસ્થાએ ફ્લાઈટ સાથે સંકલન કરવામાં મદદ કરી હતી.

Senior citizens met at one of the restaurants in Perth before their flight to India. Source: Supplied
289 પેસેન્જર્સ સાથે ફ્લાઇટ રવાના
પર્થથી ભારત માટેની સૌ પ્રથમ ચાર્ટર્ડ ફ્લાઇટ બુધવારે રવાના થઇ હતી. જેમાં 289 પેસેન્જર્સનો સમાવેશ થતો હતો.
ગરુડાઇન્ડોનેશિયા એરલાઇન્સની ફ્લાઇટ નક્કી કરવામાં આવેલા પર્થના સ્થાનિક 1.55 વાગ્યાના સમયથી મોડી બપોરના 3.45 વાગ્યે રવાના થઇ હતી.
જાણવા મળ્યા પ્રમાણે, ભારત પ્રવાસ કરી રહેલા મોટાભાગના પ્રવાસીઓ ખૂબ જ ઉત્સાહિત હતા. અને, તમામ પેસેન્જર્સે વિવિધ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવાનું હોવાથી તેઓ સવારના 9.30 કલાકે એરપોર્ટ પર પહોંચી ગયા હતા.
અંતિમ માહિતી મળી ત્યારે, ફ્લાઇટ નવી દિલ્હી પહોંચી ગઇ હતી.
પર્થમાં ફસાયેલા મુલાકાતીઓને લાભ મળ્યો
ચાર્ટર્ડ ફ્લાઇટમાં મુસાફરી કરવાના વિચારથી સિનિયર સિટીઝન્સ અને તેમના સંતાનો ભારે ઉચાટમાં હતા. જોકે, જોતજોતામાં એક ગ્રુપ તૈયાર થયું. અને, ભારત જવા માટે લગભગ 20 જેટલા ગુજરાતી પ્રવસીઓ મળ્યા.
ચાર્ટર્ડ ફ્લાઇટમાં મુસાફરી કરનારા અમદાવાદ, રાજકોટ, વડોદરા અને નડિયાદના પ્રવાસીઓ પર્થની મધર ઇન્ડીયા રેસ્ટોરન્ટસમાં ભેગા થયા હતા.
પર્થના પુરુષોત્તમ ભાઈ અને રાધાબેને તમામ ગુજરાતી મુસાફરોને રેસ્ટોરન્ટ્સમાં એકઠાં કર્યા હતા તથા ધારાબેન અને જયદીપભાઈએ ચાર્ટર્ડ ફ્લાઇટના બુકિંગ માટે મદદ કરી હતી.
સિનિયર સિટીઝન્સે એકબીજા સાથે ઓળખાણ કરી હતી અને તેમણે સમગ્ર મુસાફરી દરમિયાન એકબીજાને સાથ આપવાનો નિર્ધાર કરી જુદા – જુદા કાર્યો વહેંચ્યાં હતા. અને, કોરોનાવાઇરસના સમયમાં તેમની ચાર્ટર્ડ ફ્લાઇટમાં મુસાફરી કરવાની ચિંતાનો અંત આવ્યો હોવાનું જણાવ્યું હતું.