Key Points
- રસી લીધા વગર મુસાફરી કરવી જોઇએ નહીં - વિદેશ મંત્રાલય
- નાગરીકોએ આકસ્મિક યોજના તૈયાર રાખવી જોઇએ- નાયબ તબીબી અધિકારી
- ચોક્કસ જૂથ માટે મુસાફરીના 4-6 અઠવાડિયા પહેલા મંકીપોક્સ રસીના બે ડોઝની ભલામણ કરતું ATAGI
મેલબર્નમાં રહેતા નિશા અંતિલ સપ્ટેમ્બર મહિનામાં તેમના પરિવાર સાથે ભારત પ્રવાસનું આયોજન કરી રહ્યા છે.
પરંતુ તેઓને ડર છે કે જે રીતે કોવિડ-19 અને મંકીપોક્સ ફેલાઇ રહ્યા છે તે રીતે તેમનું આયોજન સફળ નહી નીવડે.
આજથી બે વર્ષ પહેલા જ્યારે કોવિડ-19એ પોતાનું વિકરાળ રૂપ બતાવ્યુ હતું, તે સમયે ઓસ્ટ્રેલિયાએ ભારત અને અન્ય દેશો સાથે મુસાફરી પર પ્રતિબંધ મુક્યો હતો તેનો તેમને ડર લાગે છે. તે સમયે તેમના પતિ સરહદ બંધ થવાના કારણે બે વર્ષ ભારતમાં ફસાયા હતા.
નિશા અંતિલ બે બાળકોની માતા છે, તેઓએ જણાવ્યું હતું કે, “ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની હવાઇ સેવા સાથે મુસાફરી પર પ્રતિબંધ અથવા તો પરિવહનને લગતી સમસ્યા સાથે અટવાઇ જવું એ સૌથી ચિંતાજનકમુખ્ય પાસું છે.”
ભારતમાં મુસાફરી કરતા ઓસ્ટ્રેલિયોને સલાહ છે કે તેઓ ખૂબ જ સાવચેતી રાખેે. ગમે ત્યારે કોવિડ-19ના કારણે સ્થાનિક લોકડાઉન, કર્ફ્યુ સહિતના પ્રતિબંધો ટૂંકી સૂચનાઓ પર લાદવામાં આવી શકે છે.

Nisha Antil and her family Credit: Nisha Antil
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, આંતરરાષ્ટ્રીય પ્રવાસ ખેડવો ઘણો અઘરો બન્યો છે. અમે ઓસ્ટ્રેલિયનોને મુસાફરી માટે તૈયાર રહેવા અને તેમના પ્રવાસ અંગેના તમામ પાસાઓ પર સંપૂર્ણ માહિતગાર રહેવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરીએ છીએ.
મુસાફરી માટે તૈયાર રહેેવાનો અર્થ શું છે?
1. પ્રવાસ કરતા અગાઉ સ્થળ વિશે થોડું સંશોધન કરો
ઓસ્ટ્રેલિયનો 178 ડેસ્ટિનેશન્સની જરૂરિયાતો અને તેની સંકળાયેલા જોખમને સમજવા માટે સરકારની એપ નો ઉપયોગ કરી શકે છે. આ એપ મુસાફરી માટે નવીનતમ માહિતી પૂરી પાડે છે.
દરેક દેશમાં ઓસ્ટ્રેલિયન દુતાવાસ સંબંધિત માહિતી પોર્ટલ પર સરળતાથી ઉપલબ્ધ છે.
પ્રવાસીઓ ઓસ્ટ્રેલિયા આવતા પહેલા સરહદી પ્રતિબંધો અને સ્થાનિક જરૂરિયાતો ચકાસી શકે છે.
એપ અંગ્રેજી, થાઇ, ઇન્ડોનેશિયન, અરબી, વિયેતનામીસ અને સરળ અને પરંપરાગત ચાઇનીઝ ભાષામાં ઉપલબ્ધ છે.
2. રસીકરણ સાથે તૈયાર રહો
રસીકરણ ન કર્યું હોય તેવા ઓસ્ટ્રેલિયાના નાગરિકો, કાયમી રહેવાસીઓ અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ ગમે ત્યારે ઓસ્ટ્રેલિયા છોડી શકે છે.
જો કે, કેટલાક દેશોમાં હજુ પણ આગમન પહેલા કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર અનિવાર્ય છે.
વિદેશી બાબતો અને વેપાર વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોવિડ-19ની રસી ન લીધી હોય તેવા લોકોએ આરોગ્ય જોખમના કારણે વિદેશમાં મુસાફરી કરવાનો ઉત્સાહ ન જ દાખવવો જોઇએ.
3. આકસ્મિક યોજના તૈયાર રાખો
ઓસ્ટ્રેલિયાના નાયબ તબીબી અધિકારી માઇકલ કિડ ઓસ્ટ્રેલિયનોને આકસ્મિક યોજના તૈયાર રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. જો બિમાર પડે તો વિદેશમાં અલગ રહેવું પડી શકે છે.
માઇકલ કિડે કહ્યું, “તમામ નાગરીકો માટે સ્થાનિક જાહેર આરોગ્ય વિભાગના આદેશ અને તેમની સલાહનું પાલન કરવું ઘણું મહત્વનું છે.”
દિવસ દરમિયાન ઓછા સ્થળોની મુલાકાત લો જેથી બીમાર થવાની શક્યતા ઘટી જાય. જો તમે મુસાફરી દરમિયાન બિમાર થાઓ અને તમારું આયોજન ખોરવાઇ જશે.ઓસ્ટ્રેલિયાના નાયબ તબીબી અધિકારી માઇકલ કિડ
4. મુસાફરીનો વીમો લેવો
પ્રવાસ વીમામાં કોવિડ-19 અને તેને સંબંધિત આપદા આવરવામાં આવી છે કે નહિ તેની તપાસ કરવાની પ્રવાસીઓને સલાહ આપવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયનોને મુસાફરી વીમો ખરીદવા અંગે માર્ગદર્શિકા પ્રદાન કરવા એ Choice કંપની જોડે ભાગીદારી કરી છે.
મંકીપોક્સ વિશે વધુ માહિતી:
મંકીપોક્સ(MPX) ના કેસોની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ 23મી જુલાઇના રોજ વૈશ્વિક મહામારી જાહેર કરી છે.
પહેલી જાન્યુઆરીથી 83 જેટલા દેશોમાં 23,000થી વધુ મંકીપોક્સના કેસો અને તેનાથી આઠ લોકોના મૃત્યુ નોંધ્યા છે. ઓસ્ટ્રેલિયામાં 58 જેટલાં મંકીપોક્સના કેસો જોવા મળ્યા હતા, જે મોટાભાગે પરત ફરેલા પ્રવાસીઓમાં વધારે જોવા મળ્યા હતા.
આરોગ્ય અને વૃધ્ધ સંભાળ વિભાગના પ્રવક્તાએ SBSને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયનો જો મુસાફરી કરતા હોય અથવા તો એવા દેશોમાંથી પાછા ફરતા હોય કે જયાં મંકીપોક્સના કેસો મળી આવ્યા છે, તો તેઓએ મંકીપોક્સ ચેપના લક્ષણોથી વાકેફ થવું જોઇએ.
પ્રવક્તાએ કહ્યું, “જો તેમને લાગે કે તમે વાઈરસના સંપર્કમાં આવ્યા છો તો તબીબી મદદ લેવા વિનંતી છે.”
શું વિદેશ પ્રવાસ કરતા પહેલા મંકીપોક્સની રસી લેવી જોઇએ?
વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા દર્શાવે છે કે 98 ટકા મંકીપોક્સના કેસો પુરુષો સાથે સમાગમ કરનારા પુરુષોમાં જોવા મળે છે.
હાલમાં શીતળાની સેકન્ડ જનરેશનની રસી ACAM-2000 મંકીપોક્સ સામે એટલી અસરકારક નથી. જ્યારે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને HIV ધરાવતા લોકો માટે પણ આ રસીની ભલામણ કરવામાં આવતી નથી.
ઓસ્ટ્રેલિયાએ તેનાથી વધુ સુરક્ષિત અને થર્ડ જનરેશનની રસી JYNNEOS નો પુરવઠાનો સંગ્રહ કરી લીધો છે.ચોક્કસ જૂથો માટે આ રસી આવતા અઠવાડિયાની શરૂઆતમાં ઉપલબ્ધ થશે.
ATGAI એટલે કે ઓસ્ટ્રેલીયન ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશને જણાવ્યું હતું કે JYNNEOSના બે ડોઝ ઓછામાં ઓછા 28 દિવસના અંતરે સબક્યુટેનીયસ એટલે કે ત્વચાની નીચે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે.
ATAGIએ જણાવ્યું કે, આ રસી નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં, બાળકોમાં અને જોખમ તપાસ્યા બાદ ગર્ભાવસ્થા દરમિયાન પણ લઇ શકાય છે.
ATAGI દ્વારા JYNNEOS રસી કોણે લેવી જોઇએ તેની ભલામણો:
1. છેલ્લા 14 દિવસમાં મંકીપોક્સના સંપર્કમાં આવેલા સૌથી વધુ જોખમ ધરાવતા લોકો
2. સમલૈંગિક, સમજાતિય અને અન્ય પુરુષો કે જેઓ પુરુષો સાથે સમાગમ કરે છે
3. દેહવ્યાપાર કરતા લોકો કે જેમના ગ્રાહકો ઉચ્ચ જોખમની શ્રેણીમાં છે
4. ઉપરોક્ત જોખમની શ્રેણીમાં આવતા લોકો કે જેઓ નોંધપાત્ર રોગચાળો ધરાવતા દેશોમાં પ્રવાસનું આયોજન કરતા હોય. તેઓને મુસાફરીના 4-6 અઠવાડિયા પહેલાં રસીકરણ કરવી લેવાની ભલામણ કરવામાં આવે છે.
5. રસીકરણ કરી રહેલા આરોગ્યકર્મીઓ અને જેઓ ACAM2000 શીતળાની રસીનું સંચાલન કરે છે તેઓને રસી લેવાની ભલામણ કરવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયાના બહુસંસ્કૃતિક અને બહુભાષી સમુદાયોને કોવિડ-૧૯ વિશે માહિતગાર કરવા SBS પ્રતિબદ્ધ છે.