" હું જયારે કેક બેક કરું ત્યારે હું મારી મસ્તીમાંજ હોઉ, કેક બેક કરવી એ મારા માટે શોખ કરતા સ્ટ્રેસ રિલિવરનું કામ કરે છે, આ સાથે જયારે જો બીજા કોઈ માટે કેક બેક કરતી હોઉ તો મોટાભાગે તેમને ત્યાં બેબીશાવર, હાઉસ વોર્મિંગ, જન્મદિવસ કે કોઈ શુભ પ્રસંગ જ હોય, એટલે મને એ પણ ખુશી થાય કે હું કોઈની ખુશીમાં વધારો કરી શકું છું." આ શબ્દો છે મેલબર્ન સ્થિત મલ્ટી ટેલેન્ટેડ પ્રથિતિ શાહના. પ્રથિતિ એક માતા છે, કમ્યુનિટી સર્વિસ ક્ષેત્રે રોજગાર ધરાવે છે, ફ્રિલાન્સ શિક્ષક છે અને પોતાના શોખને વ્યવસાયમાં પરિવર્તિત કરવા પ્રયત્નશીલ છે.
પ્રથિતિ જણાવે છે કે તેમને નાનપણથીજ આર્ટ અને ક્રાફ્ટ અને કુકીંગનો ખુબ શોખ હતો - અને આ શોખને વિકસાવવાનું માધ્યમ બની - કેક. તેઓ યુટ્યુબ વિડીયોસ જોઈને અને મિત્રો પાસેથી જાણીને એગલેસ કેક બનાવતા, ઘણીવાર પ્રથિતિને લાગતું કે કશીક કમી છે.
પ્રથિતિ મેટરનિટી લિવ પર ત્રણ મહિના માટે ભારત ગયા, ત્યારે તેમને થયું કે આ રજાઓનો સદુપયોગ કેક બેકિંગના કલાસ કરીને કરી શકાય, અને તેઓ જોડાઈ ગયા કેક બેક કરવાની તાલીમમાં. અહીં પ્રથિતિને જોઈતી નાની પણ ઉપયોગી ટિપ્સ મળી.
પ્રથિતિ જણાવે છે કે તેમને કેક બનાવવાનો શોખ હતો અને તેઓ એગલેસ કેક બનાવતા એટલે મોટાભાગના ગુજરાતી મિત્રો અને કેટલાક શીખ અને અન્ય ભારતીય સમુદાયના મિત્રો કે જેઓ ધાર્મિક કે સામાજિક કારણથી એગ (ઈંડા) કે તેનો ઉપયોગ થયેલ હોય તેવી વસ્તુઓ નહોતા લેતા તેમના સારા પ્રસન્ગે પ્રથિતિ કેક બનાવી આપતા. વળી પ્રથિતિના મમ્મી ચુસ્ત શાકાહારી એટલે વાર તહેવારે એગલેસ કેક શોધવામાં તેમને તકલીફ થતી. આ સમસ્યાના હલ તરીકે પ્રથિતિની બહેને તેમને કેકનો વ્યવસાય - લઘુ ઉદ્યોગ શરુ કરવા પ્રેરિત કર્યા.
પ્રથિતિની બહેને ફેસબુક પેજ બનાવી આપ્યું અને માર્કેટિંગ ક્ષેત્રમાં કાર્યરત પતિએ લોકો સુધી આ વાત પહોંચાડવામાં મદદ કરી. પ્રથિતિ જણાવે છે કે ફેસબુકના માધ્યમથી વ્યવસાયને શરુ કરી - વિકસાવવામાં ખુબ સરળતા રહે છે.
પ્રથિતિ ત્રણ વર્ષના દીકરા પ્રાંશની માતા છે તો તેમને જયારે પૂછ્યું કે બાળક અને ઘરની જવાબદારી, ફૂલ ટાઈમ નોકરી સાથે કેક બનાવવાનો વ્યવસાય કરવો અને તે ક્ષેત્રે પ્રતિબદ્ધ રહેવું કેટલું અઘરું છે? આ પ્રશ્નના જવાબમાં પ્રથિતિ હસી પડતા જણાવે છે કે, " There is challenge, હું એક ફુલટાઇમ વર્કિંગ વુમન છું. મારે ધ્યાન રાખવી પડે કે હું ડેકોરેશન કે ડેલિકેટ વર્ક મારા દીકરા સામે ન કરું ... પણ મારા દીકરાને હવે કેક ની વિવિધ વેરાઈટી વિષે ખબર છે, અને હું તેની સામે કેક બેક કરતી હોઉં છું તો હવે તેને પણ બેકિંગમાં રસ પડ્યો છે. અને તેને બધા મેઝરમેન્ટ પણ યાદ છે.."

Source: prathiti
પ્રથિતિ વિદ્યાર્થી તરીકે ઓસ્ટ્રેલિયા આવ્યા, ધીમે ધીમે સમાજસેવા ક્ષેત્રે આગળ વધ્યા અને આજે પણ આ ક્ષેત્રમાં પ્રથિતિ કન્સલ્ટન્ટ છે, તેઓ ફ્રિલાન્સર શિક્ષિકા છે સાથે પોતાના શોખને વ્યવસાયમાં પરિવર્તિત કરવા પ્રયત્નશીલ છે.