સિડનીના વેન્ટવર્થવિલ વિસ્તારમાંથી ગુમ થયેલો 14 વર્ષીય કિશોર ધ્યેય સોમવારે વહેલી સવારે સુરક્ષિત રીતે મળી આવ્યો હતો.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના જણાવ્યા પ્રમાણે, તે શનિવારે 25મી જુલાઇ 2020ના રોજ સાંજે 4 વાગ્યે વેન્ટવર્થવિલ નજીકના ગ્રેટ વેસ્ટર્ન હાઇવે પાસે જોવા મળ્યો હતો.
ત્યાર બાદથી તે ઘરે પરત ફર્યો નહોતો.
ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા કમ્બરલેન્ડ પોલીસ એરિયા કમાન્ડને જાણ કરવામાં આવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
જોકે, સોમવારે 27મી જુલાઇ 2020ના રોજ સવારે 4 વાગ્યે તે સુરક્ષિત રીતે મળી આવ્યો હતો. ત્યાર બાદ પરિવારજનો સાથે તેણે મેરીલેન્ડ્સ પોલીસ સ્ટેશને હાજરી આપી હતી તેમ ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે જણાવ્યું હતું.
ભારતીય સમુદાયે શોધવામાં મદદ કરી
શનિવારે સાંજે જ્યારે કિશોર વેન્ટવર્થવિલ વિસ્તારમાંથી ગુમ થયો ત્યારે તેના પરિવારજનો અને મિત્રોએ વિવિધ વોટ્સએપ ગ્રૂપ્સમાં તેને શોધવા માટેના મેસેજ ફોરવર્ડ કર્યા હતા.
આ ઉપરાંત, ફેસબુક પરના કમ્યુનિટી પેજ પર પણ તેના ફોટોગ્રાફ અને અન્ય માહિતી સાથેની પોસ્ટ શેર કરવામાં આવી હતી. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે પણ તેમના ફેસબુક પેજ પર લોકોને કિશોરને શોધવાની અપીલ કરી હતી.
SBS Gujarati સાથે વાત કરતા દીપકભાઇ પઢીયારે જણાવ્યું હતું કે, ધ્યેયને શોધવા માટે ડિટેક્ટીવની મદદ લેવામાં આવી હતી. આ ઉપરાંત, ભારતીય સમુદાયના સભ્યો દ્વારા તેને આજુબાજુના વિસ્તારમાં રોડ પર પણ શોધવાના પ્રયત્નો હાથ ધરાયા હતા.
પરિવારના મિત્રો અને યુવાનોએ તેના રહેઠાણની આજુબાજુના રેલવે સ્ટેશન પર તેના ફોટો સાથેના હોર્ડિંગ્સ પણ લગાવ્યા હતા. ભારતીય સમુદાયે ધ્યેયને શોધવામાં ઘણી મદદ કરી હતી અને તેની ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે પણ સરાહના કરી હતી, તેમ દીપકભાઇએ ઉમેર્યું હતું.