New rules about what you can and can't bring into Australia

From April 17, visitors to Australia failing to declare prohibited items might have their visas shortened or canceled.

Airport Security Baggage Search

Source: Getty Images

ડીપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશન દ્વારા નવા બહાર પાડવામાં આવેલા સુધારા અંતર્ગત વિદેશથી આવતા મુલાકાતીઓ જો ઓસ્ટ્રેલિયન બાયો-સિક્ટોરિટી અંગેના કાયદાનું ઉલ્લંઘન કરતા ઝડપાશે તો તેમના વિસા રદ થઇ શકે છે.

ઓસ્ટ્રેલિયાના બાયો-સિક્યોરિટીના નિયમ પ્રમાણે, દેશની પ્રાકૃતિક મિલકતો, ખેતી, પ્રવાસન ઉદ્યોગ અને નાગરિકોના સ્વાસ્થ્યને અસર કરતા કેટલાક વિદેશી ખાદ્યપદાર્થો, છોડ, પ્રાણી કે પક્ષીઓના શરીરનો કોઇ ભાગ ધરાવતી ચીજવસ્તુઓ ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધિત છે. નવા નિયમ પ્રમાણે, એપ્રિલ 17 બાદ જો કોઇ મુલાકાતી આ પ્રકારની ચીજવસ્તુઓ જાહેર નહીં કરે અને ત્યાર બાદ તેમની તપાસ કરતા ઝડપાશે તો એરપોર્ટ પરના અધિકારીઓ તેમના વિસા ટૂંકા અથવા રદ કરી શકે છે.

નક્કી કરેલી વિસા શ્રેણીને આ નિયમ લાગુ પડશે

ડીપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશનના સુધારા કેટલીક વિસા શ્રેણીને જ લાગૂ પડશે. સુધારા અંગેના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જે મુલાકાતીઓ ઓસ્ટ્રેલિયાની પ્રકૃતિ, ખેતી, દેશના નાગરિકોના આરોગ્ય અને તેમની સુખાકારીને ભયમાં મુકશે તેમના વિસા એરપોર્ટ પર જ રદ થઇ શકે છે.
Medicine
Image for representation only Source: SBS
ઓસ્ટ્રેલિયાની મુલાકાત વખતે મુલાકાતી જે ચીજવસ્તુઓ ઓસ્ટ્રેલિયા લાવી રહ્યા હોય તે જાહેર કરવા માટે તેમને એક ફોર્મ આપવામાં આવે છે. તેમાં તેમણે ઓસ્ટ્રેલિયા લાવી રહ્યા હોય તે ચીજવસ્તુઓ જાહેર કરવાની હોય છે. જો કોઇ પણ મુલાકાતી બાયો-સિક્યોરિટી ઓફિસરને પોતાની પાસે રહેલી પ્રતિબંધિત વસ્તુઓની જાણકારી નહીં આપે, તેમને છેતરવાનો પ્રયાસ કરશે અને તેમની તપાસ દરમિયાન તે પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળશે તો ઓફિસર તેમના વિસા રદ કરી શકે છે.

ત્રણ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયા પ્રવેશવા પર પ્રતિબંધ લાગી શકે

SBS Hindi સાથેની વાતચીતમાં ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જે કોઇ પણ વ્યક્તિ નવા નિયમનું ઉલ્લંઘન કરતા ઝડપાશે તેના આગામી ત્રણ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયા પ્રવેશ પર પ્રતિબંધ લાગી શકે છે. જોકે, જે વ્યક્તિના વિસા રદ થયા હતા તેનું ત્રણ વર્ષની અંદર ફરીથી ઓસ્ટ્રેલિયા આવવું ઓસ્ટ્રેલિયન નાગરિક, ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડેન્ટ માટે ફાયદાકારક હશે તો તેવા કેસમાં ઓથોરિટી તેમને વિસા આપી શકે છે.

કઇ વસ્તુ ઓસ્ટ્રેલિયા લાવી / ન લાવી શકાય

ખાદ્ય પદાર્થો

જે મુલાકાતી ઓસ્ટ્રેલિયા આવી રહ્યા હોય તેમણે Incoming Passenger Cards માં પોતે લાવી રહ્યા હોય તે ખાદ્યસામગ્રીનો ખુલાસો કરવો જરૂરી છે. કોફી, બિસ્કીટ, બ્રેડ, ચોકલેટ જેવી ચીજવસ્તુઓ ઓસ્ટ્રેલિયા લાવી શકાય છે.
sweets.jpg?itok=oO7LcALX

દવાઓ

પોતાના વ્યક્તિગત વપરાશ માટે દવાઓ લાવી શકાય છે પરંતુ તે માટેનો ડોક્ટરનો પત્ર (અંગ્રેજી ભાષા) હોવો જોઇએ. આ ઉપરાંત ત્રણ મહિનાથી વધારે સમય સુધી વાપરી શકાય તેટલી માત્રા ન હોવી જોઇએ. ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્મના જણાવ્યા મુજબ, ઓસ્ટ્રેલિયા પ્રવેશ કરતી વખતે મુલાકાતીએ પોતે લાવી રહ્યા હોય તેવી દવાઓ જાહેર કરવી જરૂરી છે.

પ્લાન્ટ્સ, ફૂલ અને બીજ

ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ વોટર રિસોર્સીસની પરવાનગી ધરાવતા ન હોય તેવા કોઇ પણ છોડ કે પ્લાન્ટ્સ ઓસ્ટ્રેલિયા લાવી શકાશે નહીં. બીજ લાવતા અગાઉ Incoming Passenger Cardsમાં તેનો ખુલાસો કરવો જરૂરી છે.

તહેવાર માટેની સામગ્રી

દિવાળી, રક્ષાબંધન કે અન્ય તહેવાર માટેની સામગ્રી ઓસ્ટ્રેલિયા લાવી શકાય છે પરંતુ ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સની સલાહ પ્રમાણે ઓસ્ટ્રેલિયા લવાતી વસ્તુનો ખુલાસો કરવો જરૂરી છે. ફળ, ફૂલ, ભારતીય મીઠાઇઓ જેમ કે બરફી, રસમલાઇ, રસગુલ્લા અને પેંડા જેવી તાજી વસ્તુઓ ઓસ્ટ્રેલિયા લાવવી હિતાવહ નથી.

જો પ્રતિબંધિત વસ્તુઓ લાવો તો...

ઓસ્ટ્રેલિયા પ્રવેશ કરતી વખતે આપવામાં આવતા Incoming Passenger Cardsમાં જે-તે વસ્તુનો ખુલાસો કરવો જરૂરી છે. જો કોઇ મુલાકાતી ખાદ્યપદાર્થ, ફળ, છોડ કે પ્રાણીના શરીરનો કોઇ ભાગ ધરાવતી ચીજવસ્તુ પોતાની સાથે લાવી રહ્યો હોય તો તેણે એરપોર્ટ પર ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ વોટર રીસોર્સના બાયો-સિક્યોરિટી ઓફિસરને તેની જાણકારી આપવી જરૂરી છે.

ઓફિસર તે વસ્તુની ચકાસણી કરશે અથવા મુલાકાતી જાતે જ એરપોર્ટ પર રહેલી કચરાપેટીમાં જે-તે ચીજવસ્તુનો નાશ કરી શકે છે.

Share
3 min read
Published 17 April 2019 2:25pm
Updated 17 April 2019 3:30pm
By Mosiqi Acharya
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends