ડ્રાઇવિંગ દરમિયાન પાણી પીવું અથવા કોફી પીવી એ ડ્રાઇવર્સ માટે સામાન્ય બાબત બની ગઇ છે પરંતુ ક્વિન્સલેન્ડના એક ડ્રાઇવરને ડ્રાઇવિંગ વખતે પાણી પીવાના કારણે 173 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ક્વિન્સલેન્ડના બ્રોક હેરિસના જણાવ્યા પ્રમાણે, તેમણે દિવસમાં 12 કલાક જેટલું કામ કર્યું અને ત્યાર બાદ તેઓ ડ્રાઇવિંગ કરીને ઘર તરફ જઇ રહ્યા હતા. કારનું એર કન્ડીશનર યોગ્ય રીતે કામ ન કરતા તેમણે કાર રોકીને પાણીની બોટલ ખરીદી હતી.
તેઓ ડ્રાઇવિંગ દરમિયાન પાણી પી રહ્યા હતા તે વખતે પોલીસે તેમની કાર અટકાવી હતી. તેમ તેમણે ABC સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
પોલીસે ડ્રાઇવિંગ કરતી વખતે યોગ્ય સાવચેતી ન વર્તવાનો ગુનો દાખલ કરીને તેમને 173 ડોલરનો દંડ ફટકાર્યો હતો.
હેરિસે જણાવ્યું હતું કે તે દિવસે 39 ડિગ્રી જેટલું તાપમાન હતું અને તેમણે ફક્ત પાણી પીધું હતું.
પોલીસે તેમની દલીલ ગણકારી નહોતી અને દંડ ફટકાર્યો હતો. હેરિસ આ દંડ સામે અપીલ કરવા અંગે વિચારી રહ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે કોઇ પણ ડ્રાઇવરને દંડ ફટકાર્યા અગાઉ તેમની બેદરકારીથી અન્ય કોઇ વ્યક્તિને નુકસાન પહોંચી શકે છે કે કેમ તે જોવામાં આવે છે.